Unseasonal Rain Hits Rajkot: ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથક સહિત અમરેલીના ગીર પંથકમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે ભર ઉનાળે આવેલા આ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
રાજકોટ શહેરમાં આજે બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. અસહ્ય બફારા અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે.
રાજકોટ ઉપરાંત ગોંડલ, લોધીકા અને પડધરી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેતપુરના પીઠડીયા અને આસપાસના હાઈવે પર તેજ પવન સાથે વરસાદ પડતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી.
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી છે. ખાસ કરીને ધારી ગીર અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગીરની ગીરીકંદરાઓમાં વરસાદી ઝાપટાંને કારણે નદી-નાળામાં નવા નીરની આવક જોવા મળી છે.
એક તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે જ અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કેરી અને ઉનાળુ તલ, બાજરી જેવા પાકોમાં નુકસાનની શક્યતાને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.
