સરકારની અપીલ બેઅસર? સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર લાંબી કતારો, તંત્રએ કહ્યું- "પૂરતો જથ્થો છે, ગભરાશો નહીં"

પેટ્રોલ પંપ પર ભીડને નિયંત્રિત કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Mar 2026 11:50 AM (IST)Updated: Tue, 24 Mar 2026 11:50 AM (IST)
saurashtra-kutch-petrol-shortage-rumors-queues-at-petrol-pumps-on-second-day
HIGHLIGHTS
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં પેટ્રોલ ખૂટી પડવાની અફવા
  • પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો
  • વહીવટી તંત્રએ કરી સ્પષ્ટતા "પૂરતો જથ્થો છે"

Gujarat Petrol Shortage Rumors: આરબ દેશો અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી અફવાથી સમગ્ર ગુજરાતમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જ્યો છે. સતત બીજા દિવસે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી છે, જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો.

ગોંડલમાં અફરાતફરી અને કલેકટરનો ખુલાસો

ગોંડલ શહેરમાં પણ ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે પેટ્રોલ મળવાની શક્યતા નહિવત હોવાની અફવા ફેલાતા લોકો વાહનોની ટાંકી ફૂલ કરાવવા પેટ્રોલ પંપો પર દોડી ગયા હતા. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં સામાજિક અગ્રણી અને પત્રકાર જીતુભાઈ આચાર્યએ પ્રાંત અધિકારી રાહુલ ગમારાને આ અંગે જાણ કરી હતી.

ત્યારબાદ, રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા એક વીડિયો જાહેર કરીને પેટ્રોલની અછત અંગેની વાતનું ખંડન કરવામાં આવ્યું હતું, અને પૂરતો સ્ટોક હોવાની ધરપત આપવામાં આવી હતી. આમ છતાં મોટાભાગના લોકોએ ગભરાટમાં પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવી લીધી હતી.

દ્વારકામાં પંપ સ્ટાફની ભૂલથી લાગી લાઈનો

દ્વારકા જિલ્લામાં પણ આવી જ અફવા ફેલાઈ હતી. સ્થાનિક અખબારોમાં પેટ્રોલ પંપ પર લોકોની કતારોના સમાચાર પ્રસારિત થયા હતા. પરંતુ જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ લાઈનો પેટ્રોલ-ડીઝલની અછતના કારણે નહીં, પરંતુ પેટ્રોલ પંપ સ્ટાફની માનવીય ક્ષતિને કારણે લાગી હતી. તંત્રએ નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને બિનજરૂરી સંગ્રહખોરી કે કાળાબજારી ન કરવા અનુરોધ કર્યો છે.

ભાવનગર કલેક્ટર ડો. મનીષ બંસલની અપીલ

ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ઈંધણની અછત હોવાની વાત વહેતી થઈ હતી. આ મામલે ભાવનગર જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઈંધણની કોઈ જ અછત નથી. નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાથી ન દોરવાઈ જવા અને પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરવામાં આવે છે.

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વહીવટી તંત્ર દ્વારા ઈંધણના પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે. સરકારે લોકોને ગભરાટમાં આવીને સંગ્રહખોરી કરવાને બદલે શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી તરફ હજુ પણ સેંકડો લોકો પેટ્રોલ ભરાવવા ભારે ભીડ લગાવી રહ્યા છે.