Arvind Kejriwal Saurashtra visit: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના (AAP) મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે 24 માર્ચ, મંગળવારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ચાર દિવસના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે.
ગુજરાત AAP દ્વારા ઉમેદવારોની યાદી જાહેર
અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન આજથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રાજકોટ, અમરેલી, જામનગર અને દાહોદના દેવગઢ બારિયા સહિતના શહેરની મુલાકાત લેશે. નોંધનીય છે કે, પ્રવાસ શરૂ થાય તે પહેલા જ ગુજરાત આમ આદમી પાર્ટીએ નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે.
ચાર જિલ્લામાં વિશાળ જાહેર સભા યોજાશે
મળતી માહિતી મુજબ, આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન AAP ના બંને ટોચના નેતાઓ રાજકોટ, અમરેલી, જામનગર (લાલપુર) અને દાહોદ (દેવગઢ બારિયા) ખાતે વિશાળ જાહેર સભાઓ સંબોધશે. પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સ્થાનિક નેતાઓ સાથે બેઠક પણ કરવાના છે, અને રાજકોટમાં બે દિવસનું રોકાણ પણ કરશે.
AAP ના રાષ્ટ્રીય સંયોજક @ArvindKejriwal અને પંજાબમાં મુખ્યમંત્રી @BhagwantMann અમરેલી, જામનગર અને દાહોદ ખાતે વિશાળ "વિજય વિશ્વાસ સભા" ને સંબોધશે 💯
— AAP Gujarat (@AAPGujarat) March 23, 2026
- @isudan_gadhvi pic.twitter.com/M3QbzUaB7r
પ્રથમ બે દિવસ: રાજકોટ અને અમરેલી પ્રવાસ
આજે 24 માર્ચના સાંજના સમયે અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન રાજકોટ એરપોર્ટ પર પહોંચશે, અને ત્યાંથી સીધા જ રાજકોટ સ્થિત ફોર્ચ્યુન પાર્ક JPS ગ્રાન્ડ હોટેલ ખાતે પહોંચી રાત્રિ રોકાણ કરશે.
બીજા દિવસ 25 માર્ચ, બુધવારની સવારે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જૂના રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે અમરેલી જવા રવાના થશે. અમરેલીમાં APMC માર્કેટ ખાતે ખેડૂતો માટે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા પૂર્ણ કર્યા બાદ તેઓ પરત રાજકોટ આવીને બીજો દિવસ પણ ત્યાં જ રોકાણ કરશે.
ત્રીજો દિવસ: જામનગર અને વડોદરાની મુલાકાત
પ્રવાસના ત્રીજા દિવસ એટલે 26 માર્ચ, ગુરુવારે વહેલી સવારે બંને નેતાઓ રાજકોટથી જામનગર જવા રવાના થશે. અહીં તેઓ જામજોધપુર ખાતે આયોજિત સભામાં હાજરી આપશે. આ સભા પૂર્ણ થયા બાદ તેઓ જામનગર એરપોર્ટથી સીધા વડોદરા જવા માટે રવાના થશે, અને વડોદરાની અલકાપુરી સ્થિત ITC વેલકમ હોટલ ખાતે રાત્રી રોકાણ કરશે.
ચોથો દિવસ: દાહોદમાં સભા અને દિલ્હી વાપસી
પ્રવાસના અંતિમ ચરણમાં 27 માર્ચ, શુક્રવારના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાને સંબોધ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા માટે રવાના થશે. આમ આદમી પાર્ટીના આ ચૂંટણી પ્રવાસથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
