બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો, પિતાની દવા લેવા જતા 20 વર્ષના યુવકનું પતંગના દોરાથી ગળું કપાતા કરૂણ મોત

રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં પિતાની દવા લેવા બાઈક પર જઈ રહેલા 20 વર્ષીય અતિક ચૌહાણના ગળામાં પતંગનો કાતિલ દોરો ફસાતા ગંભીર ઈજા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 25 Nov 2026 07:53 PM (IST)Updated: Wed, 25 Nov 2026 07:53 PM (IST)
rajkot-youth-dies-from-kite-string-injury-before-makar-sankranti

Rajkot News: મકરસંક્રાંતિના પર્વને આડે હજુ થોડા દિવસો બાકી છે, ત્યારે રાજકોટ શહેરમાં અત્યારથી જ ચગાવાતા પતંગના કાતિલ દોરાએ એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં પિતાની દવા લેવા માટે બાઈક લઈને જઈ રહેલા 20 વર્ષીય યુવકના ગળામાં અચાનક પતંગનો દોરો વીંટળાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોની સારવાર કારગત નીવડે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં રહેતો અતિક રિયાઝભાઈ ચૌહાણ (ઉંમર 20 વર્ષ) પોતાના મિત્ર રહીશ સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત સાંજે અંદાજે છ વાગ્યાના સુમારે અતિકના પિતાએ પોતાની દવા મંગાવવા માટે પુત્રને ફોન કર્યો હતો.

પિતાનો ફોન આવતા જ અતિક દવા લેવા માટે પોતાનું બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. તે પોતાના ઘર નજીકના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, તે જ સમયે હવામાં લહેરાતો પતંગનો એક જીવલેણ દોરો અચાનક તેના ગળાના ભાગે આવી ગયો હતો. બાઈક ચાલુ હોવાથી દોરો ગળામાં ઊંડે સુધી ખૂંપી ગયો હતો અને ગળાની નસ કપાઈ જતા અતિક રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ અંતિમ શ્વાસ લીધા

આ ઘટના બનતા જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અતિકને તુરંત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગળાના ભાગેથી વધુ પડતું લોહી વહી ગયું હોવાથી હોસ્પિટલના બિછાને સારવાર શરૂ થાય તે પહેલા જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો, પરિવારમાં શોકનું મોજું

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અતિક ચૌહાણ તેના માતા-પિતાનો મુખ્ય આધારસ્તંભ હતો. પરિવારમાં બે બહેનો વચ્ચે તે એકમાત્ર ભાઈ હતો. પિતાની સેવા કરવા અને તેમની દવા લેવા નીકળેલો જુવાનજોધ દીકરો ક્યારેય પાછો નહીં ફરે તે જાણીને પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પોલીસ કાર્યવાહી અને તપાસ

આ કરૂણ દુર્ઘટના અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.