જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે રાજકોટ મ્યુનિ. કમિશનરનો તપાસ રિપોર્ટ જાહેર, એક અધિકારી સસ્પેન્ડ

તપાસ દરમિયાન મંડપ અને પાણીની બોટલ સહિતના બિલોમાં ક્ષતિઓ સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 25 Nov 2026 06:02 PM (IST)Updated: Wed, 25 Nov 2026 06:02 PM (IST)
rajkot-municipal-commissioner-inquiry-report-on-jangleshwar-demolition-cost-one-official-suspended

Rajkot Jangleshwar Demolition News: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1100થી વધુ મકાનોના ડિમોલેશન પાછળ થયેલા ખર્ચમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. આ મામલે હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરનો તપાસ રિપોર્ટ જાહેર થયો છે. મંડપ અને પાણીની બોટલ સહિતનાં બિલોમાં ક્ષતિઓ સામે આવતા સાંસ્કૃતિક વિભાગના મેનેજરને સસ્પેન્ડ કરી અન્ય અધિકારીઓ સામે પણ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં ગેરરીતિનો આક્ષેપ

ફેબ્રુઆરી 2026 માં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 1100થી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, ડિમોલેશન બાદ તેના ખર્ચમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા. આ મામલે થયેલા 2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

બિલોમાં ક્ષતિ સામે આવતા એક અધિકારી સસ્પેન્ડ

આ મામલાની તપાસ દરમિયાન ડિમોલેશનની કામગીરીના વિવિધ બિલોમાં ક્ષતિઓ અને ગેરરીતિની આશંકા સામે આવી છે. ખાસ કરીને મંડપ, પાણીની બોટલો સહિતના ખર્ચના બિલોમાં ક્ષતિઓ જોવા મળતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ મામલે સાંસ્કૃતિક વિભાગના મેનેજર કે.બી. ઉનાવાને ફરજમુક્ત કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમની સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય અધિકારી વાકાણી અને ઈજનેર સામે પણ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે.

સસ્પેન્ડેડ અધિકારીએ કહ્યું, 'મને રિપોર્ટ મળ્યો નથી'

બીજી તરફ, સસ્પેન્ડ થયેલા અધિકારી કૌશિક ઉનાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાણીની બોટલો, મંડપ સહિતના બિલો તેમના વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી તેમને તપાસ રિપોર્ટ મળ્યો નથી. રિપોર્ટ મળ્યા બાદ તેના અંતે તેઓ યોગ્ય ટિપ્પણી કરી શકશે.