Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાંથી આજે એક અત્યંત કમનસીબ ઘટના સામે આવ્યા છે. જેમાં જસદણથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામ પાસેના આલણ સાગર તળાવમાં નહાવા ગયેલા ચાર માસૂમ કિશોરો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે બાખલવડ અને જસદણ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભોગ બનનારા તમામ બાળકો સામાન્ય શ્રમિક અને ગરીબ પરિવારના હતા. રવિવારની રજા હોવાથી મિત્રો સાથે આલણ સાગર તળાવમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય બાળકો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. ડૂબી રહેલા બાળકોની ચીસાચીસ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને જસદણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતક બાળકોની ઓળખ રામુભાઈ રાઠોડ, કાળુભાઈ રાઠોડ, રાજવીર રાઠોડ અને કિશન રાઠોડ તરીકે છે, જે તમામ 10 થી 15 વર્ષની આસપાસના છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
