ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડરઃ કુહાડીના આડેધડ ઘા ઝીંકી માતા અને માસૂમ પુત્રને ક્રૂરતાથી રહેંસી નાંખ્યા, હુમલાખોરનું પણ મોત

ગઈકાલે મોડી રાતે ઉશ્કેરાયેલો શખ્સ કુહાડી લઈને પત્ની, માતા અને પુત્ર પર તૂટી પડ્યો. હુમલાખોર અને પુત્રનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડ્યું, માતાએ સારવાર દરમિયાન દમ તોડ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Apr 2026 11:00 PM (IST)Updated: Sun, 26 Apr 2026 11:00 PM (IST)
sabarkantha-triple-murder-man-kills-mother-and-son-wife-critical-after-axe-attack
HIGHLIGHTS
  • ઈજાગ્રસ્ત પત્નીને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ લઈ જવાઈ

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં શનિવારે મોડી રાતે ત્રિપલ મર્ડરનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સે પોતાની માતા, પુત્ર અને પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં હુમલાખોરની માતા અને પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે પત્નીની હાલત ગંભીર છે. જ્યારે હુમલાખોરનું પણ મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સંગ્રામપુરા ગામમાં રહેતા શ્રવણ ગમાર નામના યુવકે પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ ખેલ્યો હતો. ગઈકાલે મોડી રાતે ઉશ્કેરાયેલા શ્રવણે ઘરમાં રહેલી કુહાડી લઈને માતા જમનાબેન, પત્ની કાન્તાબેન અને 2 વર્ષના પુત્ર કમલેશ પર તૂટી પડ્યો હતો.

આ હુમલાની ઘટનામાં હુમલાખોર શ્રવણ સહિત તેની માતા, પત્ની અને પુત્ર લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા. જેમાં હુમલાખોર શ્રવણ અને તેનો પુત્ર ઘટના સ્થળે જ વધારે લોહી વહી જવાથી મોતને ભેટ્યા હતા.

જ્યારે માતા જમનાબેન અને પત્ની કાંતાબેનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જમનાબેનનું પણ મોત નીપજ્યું હતુ. જ્યારે ઈજાગ્રસ્ત પત્નીની હાલત પણ હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ ખેડબ્રહ્મા DySp કુલદીપ નાયી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસની એક ટીમે અમદાવાદ સિવિલ જઈને ઈજાગ્રસ્ત કાંતાબેનનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.