રાજકોટથી ગોવા જવું સરળ થશે: 25 ઓક્ટોબરથી ઈન્ડિગોની સીધી ફ્લાઈટ શરૂ, અઠવાડિયામાં 4 દિવસ ઉડાન ભરશે

દીવાળી પહેલા ફરવાના શોખિન સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર છે. આગામી 25 ઓક્ટોબરથી ઈન્ડિગો એરલાઈન્સ રાજકોટથી ગોવા સુધીની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. જે અઠવાડિયામાં 4 દિવસ ઉડાન ભરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Oct 2026 09:26 PM (IST)Updated: Sun, 04 Oct 2026 09:26 PM (IST)
rajkot-to-goa-direct-flight-starting-from-october-25-check-schedule-and-details

Rajkot to Goa Direct Flight: રાજકોટ એરપોર્ટથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને પુણે સહિત કુલ 14 જેટલી ફ્લાઈટ્સ નિયમિત રીતે ઉડાન ભરી રહી છે, ત્યારે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા છેલ્લા 6 મહિના સુધી બંધ રહેલી રાજકોટ–ગોવાની હવાઈ સેવા આગામી વિન્ટર શેડ્યૂલમાં ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આગામી 25 ઓક્ટોબરથી 29 માર્ચ દરમિયાન રાજકોટ–ગોવા વચ્ચે નવી ફ્લાઈટ સેવા કાર્યરત રહેશે. અગાઉ મોન્સૂન શેડ્યૂલ દરમિયાન ગોવાથી ઈન્ડિગોની આશરે 25 જેટલી ઉડાનોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના કારણે માર્ચ મહિનાથી રાજકોટ–ગોવા રૂટની સેવા અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી.

હવે આગામી વિન્ટર શેડ્યૂલને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા રાજકોટ–ગોવા રૂટ ફરી ધમધમતો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ફ્લાઈટ સેવા પુનઃ શરૂ થવાના સમાચારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ઈન્ડિગોની રાજકોટ-ગોવાની સીધી ફ્લાઈટ સપ્તાહમાં 4 દિવસ ઓપરેટ થાય તેવી માહિતી સામે આવી છે. જેના પગલે આવનારા દિવસોમાં આવી રહેલા નવરાત્રી અને દીવાળી જેવા તહેવારો તેમજ ટૂરીઝમ સિઝનમાં ગોવા સુધીની સીધી ફ્લાઈટ મળવાથી સૌરાષ્ટ્રવાસીઓને સૌથી મોટો ફાયદો મળશે.