રાજકોટમાં તબીબી બેદરકારીનો આક્ષેપઃ શિવ હોસ્પિટલમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું મોત, પરિવારજનોનો હોબાળો

રાજકોટની શિવ હોસ્પિટલમાં ઘૂંટણના ઓપરેશન માટે એનેસ્થેસિયા આપ્યા બાદ શાપર-વેરાવળની પરિણીતાનું મોત થયું. પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Oct 2026 03:42 PM (IST)Updated: Thu, 01 Oct 2026 03:42 PM (IST)
rajkot-shiva-hospital-news-woman-dies-after-anesthesia-injection-family-alleges-medical-negligence

Rajkot Hospital Medical Negligence: શાપર-વેરાવળમાં રહેતી પરિણીતાને ગોઠણના ઓપરેશન માટે રાજકોટમાં શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં એનેથેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તબીબી બેદરકારીના કારણે મોત નીપજ્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં આવેલ શાંતિધામ-2માં રહેતી ઇલાબેન શૈલેષભાઇ નૈના (39) નામની પરિણીતાને ગોઠણના ઓપરેશન માટે રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ બાલાજી હોલ પાસે આવેલ શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

તબીબી બેદરકારીના કારણે પરિણીતાનું મોત નીપજ્યુ હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવતા પોલીસ દ્વારા પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇલાબેનને સંતાનમાં બે જૂડવા બાળકો છે. ગત તા.28ના રોજ ગોઠણના ઓપરેશન માટે શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા ઓપરેશન માટે તબીબે એનેથેસીયા ઇન્જેક્શન આપ્યુ હતું. જેના કારણે ઇલાબેન બેભાન થઇ જતાં મોડી રાત્રે તબીબો દ્વારા તાત્કાલીક મેડીકેરમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ઇલાબેનનું મોત નીપજ્યુ હતું.

તબીબી બેદરકારીના કારણે મોત નીપજ્યાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિણીતાના મોતનું કારણ જાણવા મળશે. તેવુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.