જિગ્નેશ મેવાણી પર ટિકિટ માટે રૂ. 4 લાખ લેવાનો આક્ષેપઃ પૂર્વ સરપંચે કુરાન હાથમાં લઈ કસમ ખાવાની તૈયારી દર્શાવી

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ ટિકિટ માટે 4 લાખ રૂપિયા લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મેવાણીએ આ આરોપોને ફગાવતા તેને કોંગ્રેસનો આંતરિક મામલો ગણાવ્યો છે, જ્યારે કોંગ્રેસે તેને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 30 Sep 2026 11:28 PM (IST)Updated: Wed, 30 Sep 2026 11:28 PM (IST)
jignesh-mevani-bribery-allegation-former-sarpanch-accuses-gujarat-congress-mla-of-taking-rs-4-lakh

Jignesh Mevani Bribery Allegation: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં વડગામ તાલુકાના ટોકરિયા ગામમાં આયોજિત એક જાહેર સભાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ સરપંચ જાહેરમાં જિગ્નેશ મેવાણી પર કોંગ્રેસની ટિકિટના બદલે રૂ. 4 લાખ લેવાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો 28 સપ્ટેમ્બર, 2026ના રોજનો હોવાનું કહેવાય છે. જેમાં જિગ્નેશ મેવાણી પોતાના વિધાનસભા વિસ્તાર અંતર્ગત આવતા ટોકરિયા ગામમાં આયોજિત એક બેઠકમાં સામેલ થયા હતા.

આ સમયે ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ જિગ્નેશ મેવાણી પર આક્ષેપ કરતા જણાવ્યું કે, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે તેમના મિત્રને કોંગ્રેસ તરફથી ટિકિટ જોઈતી હતી. જેના માટે મેં પાલનપુર સર્કિટ હાઉસમાં જિગ્નેશ મેવાણીને રૂ. 4 લાખ આપ્યા હતા. જો કે ટિકિટ પણ ના મળી અને મારા પૈસા પણ મને પરત ના મળ્યા.

વાયરલ વીડિયોમાં પૂર્વ સરપંચ યાકુબભાઈ કહી રહ્યા છે કે, શું જિગ્નેશભાઈ તમે રૂ. 4 લાખ નહતા લીધા? મેં તમને પાલનપુર સર્કિટ હાઉસમાં રુપિયા આપ્યા હતા કે નહીં? હું કુરઆન પર હાથ રાખીને કસમ ખાવા માટે પણ તૈયાર છું. બીજી તરફ જિગ્નેશ મેવાણીએ પોતાના પરના તમામ આરોપોને ફગાવતા જણાવ્યું કે, આ કોંગ્રેસની આંતરિક બાબત છે.

કોંગ્રેસ અને તેના ધારાસભ્યનો અસલી ચહેરો સામે આવ્યો

આ સંદર્ભે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જિગ્નેશ મેવાણી પર નિશાન સાધતા જણાવ્યું કે, વીડિયોમાં કોંગ્રેસ અને તેના ધારાસભ્યનો અસલી ચહેરો લોકો સમક્ષ સામે આવ્યો છે.

ટોકરિયા ગામમાં એક મુસ્લિમ નેતાએ જ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં જ તેમના પર સરેઆમ આરોપ લગાવ્યા છે કે, તેમણે એક કાર્યકર્તા પાસેથી રૂ. 4 લાખ રોકડા લીધા હતા.


સોશિયલ મીડિયામાં કોઈની પણ સામે આરોપ લગાવાય છેઃ કોંગ્રેસ

બીજી તરફ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જિગ્નેશ મેવાણીનો બચાવ કરતાં જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં કોઈના પણ વિરુદ્ધ આરોપ લગાવવામાં આવી શકે છે. વીડિયોમાં આરોપ લગાવનાર વ્યક્તિ વિશે જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટતા કરી છે કે, તેમણે યાકુબભાઈ પાસેથી કોઈ પૈસા નથી લીધા. આ બાબતને મોવડી મંડળ સમક્ષ કેમ ના ઉઠાવી. જાહેર સભામાં આ મુદ્દો ઉછાળીને જિગ્નેશ મેવાણીને બદનામ કરવાનું ષડયંત્ર લાગી રહ્યું છે.