રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 4 સ્થળોએ દરોડામાં 1.372 કિલો ગાંજા 4 આરોપી ઝડપાયા, સ્નિફર ડોગ 'કેપ્ટો' મેદાનમાં!

રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ, શાપર વેરાવળ, પડધરી અને ઉપલેટામાં દરોડા પાડી 1.372 કિલો ગાંજા સાથે 4 આરોપીને ઝડપ્યા છે. સ્નિફર ડોગ કેપ્ટોની મદદ, 5.39 કરોડનો મુદ્દામાલ અને પ્રેરણા સેન્ટરની વિગત

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 08:25 PM (IST)Updated: Thu, 26 Nov 2026 08:25 PM (IST)
rajkot-rural-police-ganja-raid-4-accused-arrested-sniffer-dog-capto-ndps-cases-5-crore-seized

Rajkot Rural Police Ganja Raid: રાજ્ય સરકાર, ડીજીપી અને રાજકોટ રેન્જ આઈજી નીલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. અલગ-અલગ ટીમો બનાવી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, શાપર વેરાવળ પોલીસ સ્ટેશન, પડધરી અને ઉપલેટા સહિત 4 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 1 કિલો 372 ગ્રામ ગાંજા સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીઓના નામ ખુલ્યા

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં કરણ ભંડેરી (રહે. ગોંડલ), જય બાગડા (રહે. લોધિકા), વલીશા ઉર્ફે ચીચુ બાપુ હુસેનભાઈ (રહે. પડધરી) અને અલ્તાબ શાહઆલમ શાહ (રહે. ઉપલેટા)નો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન જે વ્યક્તિઓ પાસેથી ગાંજો ખરીદવામાં આવ્યો હતો તેમના નામ પણ ખુલ્યા છે, જેમને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

સ્નિફર ડોગ 'કેપ્ટો'નો પ્રથમવાર ઉપયોગ

NDPS પદાર્થોને સુંઘીને ઓળખી કાઢવાની ક્ષમતા ધરાવતા પોલીસ સ્નિફર ડોગ 'કેપ્ટો'નો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. રૂમ, બેગ, ડબ્બા કે ઘરમાં છુપાવેલો નશીલો પદાર્થ સુંઘીને ઓળખી કાઢવાની તેની ક્ષમતાના આધારે શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ કરવામાં સફળતા મળી છે, જ્યારે ગોંડલ અને અગાઉ NDPS કેસ નોંધાયેલા સ્થળોએ પણ ચેકિંગ હાથ ધરાયું હતું. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 51 NDPS કેસ નોંધાયા છે, જેમાં 106 આરોપીઓની ધરપકડ અને 5.39 કરોડનો NDPS મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઉપરાંત PIT NDPS હેઠળ 10 દરખાસ્તો તૈયાર કરીને CID ક્રાઈમ ખાતે ડીજી સાહેબને મોકલવામાં આવી છે.

નશાના રવાડે ચડેલા લોકોને સુધારવા માટે રાજકોટ ગ્રામ્ય SP ઓફિસ ખાતે 'પ્રેરણા કાઉન્સેલિંગ સેન્ટર' કાર્યરત છે. અહીં અગાઉ MD ડ્રગ્સના બંધાણી બનેલા 8 લોકોનું પરિવારના સહયોગ તેમજ સિવિલ અને અન્ય હોસ્પિટલના સાયકોલોજિસ્ટ અને સાયકિયાટ્રિક ડોક્ટરોની મદદથી કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે.

300 પોલીસ અધિકારીઓને વિશેષ તાલીમ

સરકાર દ્વારા ડ્રગ્સના સેવનની ઓન-ધ-સ્પોટ તપાસ માટે નવી કિટ ફાળવવામાં આવી છે, જેનાથી હોટસ્પોટ પર જ તાત્કાલિક ટેસ્ટ અને પરિણામ મળી શકશે. નાના કેસ (2 ગ્રામ કે 5 ગ્રામ) નોંધવા માટે પણ સ્ટાફને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને કોન્સ્ટેબલથી SP સુધીના આશરે 300 કર્મચારી-અધિકારીઓને સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના ચુકાદાઓ અને કાયદાકીય પ્રક્રિયા અંગે તાલીમ અપાઈ છે.