Rajkot News: સૌરાષ્ટ્રમાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરાફેરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા રાજકોટ રેન્જ પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાયની સૂચનાથી રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ત્રણ દિવસની વિશેષ NDPS ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સઘન ઝુંબેશ દરમિયાન પોલીસે કુલ 519 શંકાસ્પદ ઇસમોનું ચેકિંગ કરી NDPS એક્ટ હેઠળ 6 સફળ કેસો શોધી કાઢ્યા છે અને 7 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 14,32,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વિવિધ ટીમો દ્વારા સઘન વોચ અને તપાસ
યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા અને નશામુક્ત સમાજના નિર્માણના હેતુથી રેન્જના તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોના સીધા માર્ગદર્શન હેઠળ LCB, SOG, એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા અગાઉ નશીલા પદાર્થોના વેપારમાં સંડોવાયેલા શખ્સો અને શંકાસ્પદ સ્થળો પર વોચ રાખી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લાવાર પોલીસ કામગીરીની વિગત
સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસે 90 આરોપીઓને ચેક કરી સૌથી વધુ 3 સફળ કેસ શોધી કાઢ્યા હતા, જેમાં રૂ. 6,08,000/- ની કિંમતના લીલા ગાંજાના 9 છોડ (વજન 12 કિલો 16 ગ્રામ) કબજે કરાયા હતા.
જામનગર: પોલીસે 238 શખ્સોની તપાસ કરી 2 કેસમાં રૂ. 2,36,250/- નો ગાંજો (4 કિલો 725 ગ્રામ) અને રૂ. 41,900/- નો એમ.ડી. પાવડર (4.19 ગ્રામ) જપ્ત કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા: 156 ઇસમોના ચેકિંગ દરમિયાન 1 કેસ શોધી કાઢી રૂ. 20,100/- ની કિંમતનો 402 ગ્રામ ગાંજો કબજે લેવાયો હતો.
રાજકોટ ગ્રામ્ય: જિલ્લા પોલીસ દ્વારા 35 શંકાસ્પદ આરોપીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તમામ જિલ્લાઓમાં ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ જે-તે પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નશાના કારોબારને મૂળમાંથી ઉખેડી ફેંકવા આવી વિશેષ ડ્રાઇવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આસપાસના વિસ્તારમાં માદક પદાર્થોની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક રેન્જ કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
