Jamnagar: કાલાવડના હરીપર ગામે સફેદ દૂધનો કાળો કારોબાર, 6 ડેરીઓ પર દરોડો; 7 હજાર લીટર ભેળસેળિયા દૂધનો નાશ કર્યો

સ્થળ પર 120 કિલોગ્રામ વનસ્પતિ ઘી અને 15 કિલોગ્રામ દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 23 Aug 2026 01:41 PM (IST)Updated: Sun, 23 Aug 2026 01:41 PM (IST)
jamnagar-kalavad-milk-adulteration-business-police-raid-in-haripar-village
Jamnagar Adulterated Milk Raid

Jamnagar Adulterated Milk Raid: લોકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અસામાજિક તત્વો સામે લાલઆંખ કરીને રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા જામનગર જિલ્લામાં ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરીપર ગામે ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત દૂધ બનાવવાની ચાલી રહેલી પ્રવૃત્તિ પર પોલીસે સફળ દરોડો પાડ્યો છે.

મકાનો અને ડેરીઓ પર આકસ્મિક રેડ 

આ ગંભીર મામલાની વિગતો અનુસાર, રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લામાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીને આર્થિક ફાયદો મેળવવા માટે રોજિંદા જીવનની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા વ્યાપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી આ આદેશ અન્વયે પોલીસ ટીમે હરીપર ગામે રહેતા શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓના ઘરે અને તેમની માલિકીની અલગ-અલગ ડેરીઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા.

કોણ કરી રહ્યું નકલી દૂધનો કારોબાર?

આ આકસ્મિક દરોડા દરમિયાન મકાનો અને ડેરીમાંથી મોટાપાયે નકલી દૂધ બનાવવાની કામગીરી રંગેહાથ ઝડપાઈ ગઈ હતી:

  1. મેરૂભાઈ વીરાભાઈ ભારાઈ (રહે. રબારી પાળો, હરીપર)
  2. અરજણભાઈ હમીરભાઈ હુણ (રહે. હરીપર)
  3. બધાભાઈ બાવનભાઈ ચાવડા (રહે. હરીપર)
  4. મેરૂભાઈ બધાભાઈ વંશ (રહે. રબારી પાળો, હરીપર)
  5. રાણાભાઈ બટુકભાઈ ભારાઈ (રહે. રબારી પાળો, હરીપર)
  6. બોધાભાઈ નાથાભાઈ વંશ (રહે. રબારી પાળો, હરીપર)

7,150 લીટર નકલી દૂધ સહિતનો જથ્થો

દરોડાની આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમને સ્થળ પરથી ભેળસેળયુક્ત દૂધ અને તે બનાવવા માટે ઉપયોગમાં લેવાતો નીચે મુજબનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 7,150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલોગ્રામ વનસ્પતિ ઘી અને 15 કિલોગ્રામ દૂધ બનાવવાનો પાવડર સામેલ છે.

ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ જથ્થાનો નાશ

પોલીસે સ્થળ પરથી તાત્કાલિક ધોરણે સંપર્ક કરીને ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને બોલાવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ફૂડ સેફ્ટી ઓફિસર (FSO) દ્વારા આ શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધના જરૂરી સેમ્પલો એકત્રિત કરી કચેરી ખાતે કબ્જે લેવામાં આવ્યા છે. 

માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં નુકસાનકારક બનાવટી દૂધ, વેજીટેબલ ઘી અને પાવડરના જથ્થાનો સુરક્ષિત જગ્યાએ નાશ કરવામાં આવ્યો છે. આ ભેળસેળયુક્ત દૂધના ધંધાર્થીઓ સામે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કાયદા હેઠળ આગળની કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.