Rajkot: પત્નીની નજર સામે પાડોશી શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું, દંપતી વચ્ચે કંકાશ થતાં પત્નીએ જ વીડિયો મોકલી પતિનો ભાંડો ફોડ્યો

પાડોશમાં જ રહેતા એક નેપાળી દંપતીએ માત્ર 14 વર્ષની માસૂમ સગીર વયની દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દોડી જઈ આપવીતી જણાવતા પોલીસે તુરંત જ ગુનો નોંધી આરોપી દંપતી વિરુદ્ધ કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 07:56 PM (IST)Updated: Fri, 09 Oct 2026 07:56 PM (IST)
rajkot-obesity-news-445-per-cent-of-women-affected-nfhs-data-reveals

Rajkot Minor Rape Case: રાજકોટ શહેરના જામનગર રોડ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પાડોશમાં જ રહેતા એક નેપાળી દંપતીએ માત્ર 14 વર્ષની માસૂમ સગીર વયની દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દોડી જઈ આપવીતી જણાવતા પોલીસે તુરંત જ ગુનો નોંધી આરોપી દંપતી વિરુદ્ધ કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.

આ અંગે જામનગર રોડ પર રહેતા અને મૂળ નેપાળના વતની એવા પરિવારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની પાડોશમાં મૂળ નેપાળનું જ આરોપી મહેશસિંગ નેપાળી અને તેની પત્ની મંજુ નેપાળી (રહે. ભોમેશ્વર) રહેતાં હતાં. પાડોશીના સંબંધે 14 વર્ષની સગીરા અવારનવાર આ દંપતીના ઘરે જતી-આવતી હતી.

આ દરમિયાન ગત તા.05-07 થી તા.24-07 ના સમયગાળામાં સગીરાના માતા-પિતા કોઈ કામ અર્થે વતનમાં ગયા હતા. તે સમયે આરોપી પત્ની મંજુએ કાવતરું ઘડી માસૂમ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં પત્નીની હાજરીમાં જ નરાધમ પતિ મહેશસિંગે સગીરા પર બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમયગાળા દરમિયાન મંજુ સગીરાને ઘરે બોલાવતી અને મહેશસિંગ તેની હાજરીમાં જ ત્રણ વખત બળજબરીથી સગીરાનું શિયળ લૂંટતો હતો.

આટલેથી ન અટકતા, આ દંપતીએ સગીરાનું પોતાના ઘરેથી કારમાં બેસાડીને ધરાર અપહરણ પણ કર્યું હતું. કાર ચલાવતી વખતે આરોપી મહેશસિંગે 14 વર્ષની સગીરાને પોતાના ખોળામાં બેસાડીને તેના શરીરે અડપલાં કર્યા હતા.

આ શરમજનક અને નિર્લજ્જ કૃત્ય સમયે પત્ની મંજુ કારની પાછળની સીટમાં બેસીને પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરી રહી હતી. પોતાના જ પાડોશી અને હમવતની ભાઈ સમજીને જેમના પર વિશ્વાસ મૂક્યો હતો તે દંપતીએ જ માસૂમ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી નરાધમતાની તમામ સરહદો વટાવી દીધી હતી.

આ કાળા કારનામા ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે આરોપી મહેશસિંગ અને તેની પત્ની મંજુ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મંજુ રિસામણે પોતાના માવતર મધ્ય પ્રદેશ જતી રહી હતી.

જે બાદ ગત તા.01 ના રોજ મંજુએ સગીરાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના પતિ મહેશસિંગ દ્વારા તેની બહેનની જાતીય સતામણી કરતો વીડિયો તેની પાસે છે. મંજુએ આ વીડિયો સગીરાના ભાઈને મોકલતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. વીડિયો જોયા બાદ પરિવારે દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી તમામ આપવીતી વર્ણવી હતી.

આ સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સગીરાની મોટી બહેન પોતાના પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા ત્રણ માસથી માવતરે રિસામણે આવીને રહેતી હતી. નરાધમ મહેશસિંગે આ મોટી બહેનને પણ પોતાની જાળમાં ફસાવી ગત તા.01-10 ના રોજ તેને ભગાડીને નાસી છૂટ્યો હતો. જે અંગે પરિવારે ગુમસુદાની નોંધ પણ કરાવી હતી.

પતિ પોતાની જ પાડોશી પરિણિતાને ભગાડી ગયો હોવાની જાણ થતાં જ પત્ની મંજુએ બદલો લેવા સમગ્ર દૂષ્કર્મ અને વીડિયોનો ભાંડો ફોડી દીધો હતો. ગાંધીગ્રામ પીઆઈ એચ.પી.ગઢવી સમક્ષ પરિવારજનોએ ઘટના વર્ણવતા પોલીસે પોકસો, દુષ્કર્મ અને અપહરણની આકરી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી મહેશસિંગને પકડવા માટે મુંબઈમાં ધામા નાખ્યા છે.