Navsari Garba 2026: દેશભરમાં શારદીય નવરાત્રીના પાવન પર્વની તડમાર તૈયારીઓ ચાલી રહી છે. એમાં પણ ખેલૈયાઓ 9 દિવસ સુધી ગરબે ઘુમવા થનગની રહ્યા છે, ત્યારે નવસારીમાં ગરબા રમતો હ્યુમનોઈડ રોબોટ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
મોટાભાગે મોટી-મોટી ફેક્ટરીઓ તેમજ હોટલ-રેસ્ટોરન્ટ અને હોસ્પિટલોમાં વિવિધ સેવાઓ આપતા રોબોટ જોવા મળતા હોય છે. જો કે સુરતની એક કંપની દ્વારા ખાસ ચીનથી આયાત કરવામાં આવેલા 'પૃથ્વી' નામના રોબોટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં હ્યુમનોઈડ રોબોટ પૃથ્વીને પરંપરાગત ગુજરાતી પોષાક ધોતી અને કેડિયુ પહેરીને ગરબા મહોત્સવમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ખાસ વાત એ છે કે, આ પૃથ્વી નામનો રોબોટે 'કચ્છી કોયલ' ગીતા રબારીના સુરોના તાલે ગરબે ઘુમ્યો હતો. જેમાં પૃથ્વીએ બે તાળી અને ત્રણ તાળીના સ્ટેપ્સ રજૂ કર્યા હતા. જેને નિહાળવા ગરબા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત સૌ કોઈમાં ભારે ઉત્સુક્તા જોવા મળી હતી. તેમજ ઘણાં લોકો ગરબાના સ્ટેપ રજૂ કરતાં રોબોટના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરતા જોવા મળ્યા હતા.
આ અંગે પૃથ્વી રૉબોટના માલિક પિનલ બારોટે જણાવ્યું કે, ગરબામાં હ્યુમનોઈડ રોબોટ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મનોરંજન પુરતો નથી, પરંતુ નવી પેઢીને ટેક્નોલોજી સાથે જોડવાનો છે. ખાસ કરીને બાળકોને AI, રોબોટિક્સ અને આધુનિક વિજ્ઞાન તરફ આકર્ષિક કરવાનો પ્રયાસ છે.
