Rajkot: આટકોટના મોટા દડવામા બે દિવસ પહેલા યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેને બેભાન હાલતમાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં આજરોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
આ ઘટના પાછળ મૃતકની પરિણીત પ્રેમિકા અને તેમનાં સંતાનો સામેલ હોવાનુ પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ છે. હાલ આટકોટ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે પરિણીત પ્રેમિકા અને સંતાનોને સકંજામાં લેવા તજવીજ શરુ કરી છે.
આ અંગે જેતપુરનાં મેવાસા ગામે રહેતા મુકેશ પીસુભાઇ વસુનીયા (30) નામનાં યુવાને પોતાની ફરીયાદમાં જણાવ્યુ કે, તેઓ 4 ભાઇ અને બે બહેન છે . જેમા થાવુભાઇ ઉર્ફે મહેશભાઇ (ઉ.વ. 40) કે જેઓને રેશમાબેન ઉર્ફે જાઉડા સાથે પ્રેમ સબંધ હોવાથી બે વર્ષથી બંને સાથે રહેતા હતા.
છેલ્લા 6 મહિનાથી બન્ને મોટા દડવા ગામે આવેલી ગીરીશભાઇ પારઘીની વાડી ભાગવી રાખી વાવતા હતા . તેમની સાથે રેશમાબેનનાં સંતાનો પુત્ર કુનો અને દીકરી લીલા પણ રહેતી હતી. જ્યાર થાવુની પત્ની હાલ અલગ રહે છે.
ગઇ તા. 11ના રોજ મુકેશભાઇ પોતાનાં કામમા હતા, ત્યારે ભાઇ થાવનાં શેઠ ગીરીશભાઇનો ફોન આવ્યો હતો કે તેમનો ભાઇ થાવુ વાડીમા આવેલી ઓરડીમા લોહી લુહાણ હાલતમા પડયો છે અને તેનાં મોઢે ગંભીર ઇજાઓ થઇ છે. તેમને 108 મારફતે ગોંડલની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો છે.
આથી મુકેશ અને તેમનાં પરીવારજનો તુરંત ગાડીમા બેસી ત્યા પહોચ્યા હતા અને તેમનાં ભાઇની હાલત અતી ગંભીર હોય અને હાલ બેભાન હાલતમા હોય જેથી તેમનાં વાડી માલીક ગીરીશભાઇને બનાવ બાબતે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ સવારે છ વાગ્યે વાડીએ ગયા, ત્યારે ઓરડીનું બારણું બંધ હતુ અને બારણુ ખોલતા અંદર મહેશ લોહી લુહાણ હાલતમા પડયો હતો. તેમજ ત્યા બાજુમા લોહીવાળો ત્રિકમ પડયો હતો. આથી મહેશને હેમરેજ હોવાનું જાણવા મળ્યુ હતુ. અને માથામા 14 ટકા લેવામાં આવ્યા હતા. તેમજ તેમને વધુ સારવાર માટે રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો.
આ મામલે પોલીસે મહેશ સાથે રહેતી રેશમા અને તેમનાં સંતાનો હાલ ત્યાથી જતા રહયા હોય અને તેમનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય જેથી આ ત્રણેયએ મળીને મહેશ પર હુમલો કર્યો હોવાનુ પ્રાથમિક તપાસમા શંકા છે . જેથી પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી ફરાર થયેલા રેશ્મા અને તેનાં સંતાનોની શોધખોળ શરુ કરી છે.
