Rajkot: રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ એક સળગતી સમસ્યા બની ગયો છે. મહાનગરોથી લઈને નાના ગામડાઓ સુધી રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓના કારણે અનેક નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લના કોટડાસાંગાણી તાલુકાના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર એવા વેરાવળ ગામમાં પણ રખડતા ઢોરનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે.
દિવસેને દિવસે માર્ગો પર આખલા યુદ્ધ અને ગાયોના જમાવડાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સિલસિલામાં વધુ એક ગંભીર અને હચમચાવી દેતી ઘટના વેરાવળ ગામમાં સામે આવી છે, જ્યાં શિવનગર વિસ્તારમાં રસ્તા પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા એક નિર્દોષ યુવાન પર રખડતા ઢોરે અચાનક જ જીવલેણ હુમલો કરી દેતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને લોકોમાં તંત્ર પ્રત્યે ભયંકર રોષ ફેલાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં આવેલા શિવનગરમાંથી એક યુવાન મોપેડ લઈને પોતાના રોજિંદા કામ અર્થે પસાર થઈ રહ્યો હતો. શેરીનો રસ્તો સાંકડો હોય અને ત્યાં અગાઉથી જ રખડતા ઢોરોનો મોટો જમાવડો હોય, યુવાન પોતાનું મોપેડ ધીમું પાડીને ત્યાંથી સલામત રીતે નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે અચાનક એક રખડતી ગાયે ઉશ્કેરાઈને બાઈક સવાર યુવાન પર જોરદાર હુમલો કરી દીધો હતો.
ગાયે યુવાનને શિંગડા ભરાવીને હવામાં ફંગોળીને જમીન પર પટકાયા બાદ પણ હુમલો ચાલુ રાખ્યો હતો. આ અણધાર્યા અને અચાનક થયેલા હુમલાથી યુવાન પોતાની જાતને બચાવી શક્યો ન હતો અને રસ્તા પર જ કણસવા લાગ્યો હતો.
લોકો દોડી આવ્યા, યુવાનને હોસ્પિટલ ખસેડાયો
યુવાનની બૂમાબૂમ અને ઘટનાની ગંભીરતા જોતા આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ પોતાના જીવના જોખમે તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ લાકડીઓ અને બૂમો પાડીને ભારે જહેમત ઉઠાવીને ગાયને ત્યાંથી ભગાડીને યુવાનનો જીવ બચાવ્યો હતો.
જો કે આ ભયાનક હુમલામાં યુવાનને માથાના, હાથ-પગના અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાનને લોહીલુહાણ હાલતમાં જોઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા.
કોટડાસાંગાણીના વેરાવળમાં રખડતા ઢોરનો બેફામ આતંક#Gujarat #GujaratiJagran #Gujaratnews pic.twitter.com/tKBLbrwRlR
— Gujarati Jagran (@gujaratijagran) April 4, 2026
હતા. કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ ડોક્ટરો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદ વેરાવળ અને ખાસ કરીને શિવનગરના સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે, આ કોઈ પહેલી ઘટના નથી. વેરાવળ ગામના મુખ્ય માર્ગો, ચોક, બજારો અને સોસાયટીઓની શેરીઓમાં રોજબરોજ ડઝનબંધ રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે. રસ્તા પરથી પસાર થવું એ હવે મોતને મુઠ્ઠીમાં રાખીને ચાલવા સમાન બની ગયું છે. ખાસ કરીને નાના બાળકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેમના પરિવારજનો જીવના જોખમનો ડર અનુભવે છે. રાત્રિના સમયે અંધારામાં રસ્તા વચ્ચે બેઠેલા પશુઓ વાહનચાલકો માટે કાળ સમાન બની જાય છે અને અકસ્માતો સર્જાય છે.
ગ્રામજનો દ્વારા આ અગાઉ પણ ગ્રામ પંચાયત અને સંબંધિત સ્થાનિક વહીવટી તંત્રને રખડતા ઢોરના ત્રાસ અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકોએ ઢોર માલિકો સામે લાલ આંખ કરવા અને રખડતા પશુઓને ડબ્બે પૂરવા વારંવાર માંગ કરી છે. છતાં જાણે કે તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેમ આજ દિન સુધી કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
