Rajkot: ચેટીચાંદ પર્વે જ 'ઝુલેલાલ' મંદિર જવા બાબતે દંપતી વચ્ચે ડખો, આવેશમાં બાથરૂમમાં પુરાઈ પત્નીનું અગ્નિસ્નાન

પતિએ પત્નીને સાથે લઈ જવાને બદલે 'હું બાળકોને લઈને મંદિર જઈ આવું છું' કહેતા બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ પત્નીએ દોડીને બાથરુમમાં જઈને જાત જલાવી દીધી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Mar 2026 04:39 PM (IST)Updated: Sat, 21 Mar 2026 04:40 PM (IST)
rajkot-news-woman-critical-after-setting-herself-ablaze-during-festival
HIGHLIGHTS
  • પરિણીતાને ગંભીર હાલતમાં સિવિલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરાઈ

Rajkot: ગઈકાલે સમગ્ર શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે શહેરના રામનાથપરા વિસ્તારમાં તહેવારના દિવસે જ પતિ-પત્ની વચ્ચે થયેલી નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રામનાથપરા શેરી નંબર 14માં રહેતા મીનાબેન ચોઈથરામ ખટ્ટર (52)એ ગઈકાલે રાત્રે 9 વાગ્યાના આસપાસ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

મીનાબેનના પતિ હેમુગઢવી હોલ પાસે દાળ-પકવાનની રેંકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે ચેટીચાંદનો તહેવાર હોવાથી મીનાબેને રામનાથપરામાં આવેલા ઝૂલેલાલ મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે પતિએ તેમને સાથે લઈ જવાને બદલે 'હું બાળકોને લઈને જઈશ' તેમ કહેતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

પતિ સાથેના ઝઘડા બાદ મીનાબેન ભારે ગુસ્સા અને હતાશામાં આવી ગયા હતા. તેઓ દોડીને બાથરૂમમાં ગયા હતા અને દરવાજો અંદરથી બંધ કરી કોઈ રીતે જાત જલાવી દીધી હતી. ઘરમાં અચાનક અફરાતફરી મચી જતા પરિવારજનોએ તેમને બચાવવા પ્રયાસ કર્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ખસેડ્યા હતા.

મીનાબેનને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. તેમના સાસુ-સસરા હયાત નથી અને તેઓ પોતાના પતિ અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. એક હસતા-રમતા પરિવારમાં તહેવારના દિવસે જ બનેલી આ ઘટનાથી પડોશીઓ અને સગા-સંબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ મીનાબેન સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.