Rajkot News:બુધવારે ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂરી થયા પછી જ મેદાનમાં આવશે, ભાજપના ‘સામ-દામ-દંડ’થી બચવા વ્યૂહરચના

ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં ભંગાણ ન પડે અને ઉમેદવારો પર કોઈ દબાણ ન આવે તે હેતુથી પ્રદેશ મોવડીમંડળ દ્વારા તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 13 Apr 2026 08:48 PM (IST)Updated: Mon, 13 Apr 2026 08:48 PM (IST)
rajkot-news-will-enter-the-fray-only-after-the-deadline-for-withdrawal-of-forms-expires-on-wednesday-bjps-strategy-to-avoid-face-to-face-punishment

Rajkot News:રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થવાની છે, ત્યારે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં ભંગાણ ન પડે અને ઉમેદવારો પર કોઈ દબાણ ન આવે તે હેતુથી પ્રદેશ મોવડીમંડળ દ્વારા તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોનો સંપર્ક થઈ શકતો નથી. અનુસાર, પક્ષને ડર છે કે ભાજપ દ્વારા કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને ડરાવી-ધમકાવી કે લાલચ આપીને ફોર્મ પાછા ખેંચવા માટે મજબૂર કરવામાં આવી શકે છે. આ ‘ખેલ’ રોકવા માટે કોંગ્રેસે પોતાના તમામ સેનાપતિઓને એક સુરક્ષિત કિલ્લામાં કેદ કરી દીધા છે.

ચૂંટણી પંચના નિયમ મુજબ, બુધવારે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી મુદત છે. આ સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી આ ઉમેદવારો ગુપ્ત સ્થળે જ રહેશે. મુદત પૂરી થયા પછી એટલે કે બુધવારે મોડી સાંજે અથવા ગુરુવારે સવારે તમામ ઉમેદવારો પરત ફરશે અને પોતપોતાના વોર્ડમાં જોરશોરથી પ્રચાર શરૂ કરશે.