Rajkot News: રાજકોટ શહેરમાં નશાકારક પદાર્થો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એરપોર્ટ પોલીસની સર્વેલન્સ ટીમે નવાગામ (બામણબોર) ખાતે એક શખ્સને ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો છે. મકાનના ફળીયામાં અલગ-અલગ ઝાડના વાવેતરની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગાંજાના છોડ સાથે શખ્સ ઝડપાયો
આ પણ વાંચો
પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં યુવાધન નશાના રવાડે ચડે નહીં અને નશાકારક પદાર્થોના વેચાણ તથા સેવન પર અંકુશ લાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. તરેટીયાની રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી.
પોલીસે ગાંજાના છોડ કબ્જે કર્યા
દરમિયાન મળેલી બાતમીના આધારે રાજકોટ તાલુકાના નવાગામ (બામણબોર) ખાતે રહેતા 48 વર્ષીય સવજીભાઈ રામજીભાઈ જાપડીયાના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મકાનના ફળીયામાં અન્ય છોડની વચ્ચે ગાંજાના છોડ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે ગુનો દાખલ કરાયો
પોલીસ દ્વારા ગાંજાના છોડ મૂળ સહિત કબજે કરવામાં આવ્યા છે. કબજે કરાયેલા ગાંજાના છોડની સંખ્યા 15 અને કુલ વજન 9.050 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. તેની અંદાજિત કિંમત રૂ. 4,52,500 હોવાનું જણાવાયું છે. ઉપરાંત રૂ. 5,000ની કિંમતનો રિયલમી કંપનીનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 4,57,500 થાય છે.
આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
