રાજકોટ લાયન સફારી પાર્કનું કામ અટક્યું, 90% કામગીરી પૂર્ણ: શા માટે છેલ્લા 2 મહિનાથી કામ બંધ?

લાયન સફારી પાર્ક જૂન-2026 માં શરૂ થવાની આશા હતી, પરંતુ દિવાળી અને વેકેશન પૂર્ણ થયા છતાં પાર્ક ખુલ્લો મુકાયો નથી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Nov 2026 07:30 PM (IST)Updated: Sat, 28 Nov 2026 07:30 PM (IST)
rajkot-asiatic-lion-safari-park-construction-stalled-after-90-percent-work

Rajkot Asiatic Lion Safari Park: રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્ક પાછળ બની રહેલા એશિયાટિક લાયન સફારી પાર્કનું કામ અંતિમ તબક્કામાં આવીને અટકી ગયું છે. પ્રોજેક્ટ માટે મંજૂર થયેલ ₹44.29 કરોડનું ભંડોળ પૂરું થઈ ગયું અને અંદાજે 90% કામગીરી પૂર્ણ થઈ છે. જોકે, એન્ટ્રન્સ પ્લાઝા અને મુલાકાતીઓ માટે વધારાની સુવિધાઓ ઉભી કરવા માટે ₹7.94 કરોડના વધારાના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર ન કરતાં છેલ્લા 2 મહિનાથી કામ ઠપ્પ છે.

રાજકોટમાં નજીકથી સિંહદર્શનનો અનુભવ મળશે

રાજકોટના પ્રદ્યુમન પાર્ક પાછળ નિર્માણાધીન લાયન સફારી પાર્કમાં સહેલાણીઓને સિંહોને ખુલ્લામાં વિહરતા નજીકથી જોવાની તક મળશે. સાસણમાં સિંહ સદનની ખુલ્લી જીપમાં અને દેવળિયા પાર્કમાં બસમાં બેસીને જે રીતે વનરાજના દર્શન કરી શકાય છે, તેવી રીતે રાજકોટના સફારી પાર્કમાં પણ સાવજોને ખુલ્લામાં ફરતા નિહાળી શકાશે.

શહેરીજનોને હરવા-ફરવા માટે વધુ એક સ્થળ મળે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાએ ઈસ્ટ ઝોનમાં ઝૂની બાજુમાં આવેલી જગ્યા પર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લીધો હતો. આ અંગેની દરખાસ્ત સરકારમાં રજૂ કરવામાં આવી હતી અને મંજૂરી મળ્યા બાદ પાર્કનું બાંધકામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું.

₹44.29 કરોડનું ભંડોળ પૂરું, 90% કામગીરી પૂર્ણ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની 29 હેક્ટર જમીન પર લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં પ્રોજેક્ટના નિર્માણ ખર્ચ માટે ₹44.29 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. આ રકમનો ઉપયોગ કરતાં પ્રોજેક્ટની અંદાજે 90% કામગીરી પૂર્ણ થઈ છે. જોકે, હવે મંજૂરથયેલું ભંડોળ પૂરું થઈ ગયું હોવાથી બાકી રહેલા કામો અટકી પડ્યા છે.

લાયન સફારી પાર્કના બાંધકામને કુલ 7 ફેઝમાં પૂર્ણ કરવાની યોજના હતી. તે પૈકી કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, મેઇન ગેટ, ઇલેક્ટ્રિક વાહનો માટે ટુ-વે એન્ટ્રી અને એક્ઝિટ, મોટા રસ્તા, નાના તળાવો, ચેકડેમ સહિતના વિવિધ કામો પૂર્ણ થવાની નજીક છે.

હાલ ચેઇન લિંક ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટર્નલ રોડ અને ટુ-વે ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રાણીઓ માટેનું નાઈટ શેલ્ટર એટલે કે રાત્રિના સમયે રહેવાની સુવિધા તેમજ GSR સહિતના કામો પણ પૂર્ણતાના આરે છે.

વિઝિટર સુવિધા માટે વધારે ₹7.94 કરોડની જરૂર

લાયન સફારી પાર્કમાં મુલાકાતીઓ માટે વધુ સુવિધાઓ ઉભી કરવા અને તેનું ક્ષેત્રફળ અંદાજે 10,000 ચોરસ મીટર વધારવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ વધારાની જગ્યા અને સુવિધાઓ માટે અંદાજે ₹7.94 કરોડના ખર્ચની દરખાસ્ત તૈયાર કરીને રજૂ કરવામાં આવી હતી. જેમાંથી એન્ટ્રન્સ પ્લાઝા અને મુલાકાતીઓ માટે સુવિધાઓ વિકસાવવાની યોજના છે.

પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ વધારાના ખર્ચની આ દરખાસ્તને મંજૂરી ન આપતા પ્રોજેક્ટ અટકી ગયો છે. પરિણામે છેલ્લા 2 મહિનાથી સફારી પાર્કનું કામ બંધ પડ્યું છે. બાકી રહેલાફેઝનું કામ ઝડપથી પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ વધારાના ખર્ચની મંજૂરી ન મળતા પાર્ક ખુલ્લો મૂકવાનીસમયમર્યાદા પણ લંબાવી પડી શકે છે.

જૂન-2026 અને પછી જન્માષ્ટમીમાં લોકાર્પણની જાહેરાત

લાયન સફારી પાર્કના નિર્માણ માટે શરૂઆતમાં જૂન-2026 ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. ગત જૂન મહિનામાં પ્રોજેક્ટનું લગભગ 90% કામ પૂર્ણ થવાના આરે હોવાથી તંત્ર દ્વારા લોકાર્પણની જાહેરાત કરવામાં આવી હતી.

જોકે, વધુ સુવિધાઓ ઉભી કરવા માટે જમીનનું ક્ષેત્રફળ વધારવાની અને તે મુજબ વધારાનાં કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પાર્ક ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. શાસકો દ્વારા સાતમ-આઠમના તહેવારમાં લોકો સફારી પાર્કનો આનંદ માણી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

પરંતુ જન્માષ્ટમીનો તહેવાર પસાર થઈ ગયો, ત્યારબાદ દિવાળી પણ પૂર્ણ થઈ અને વેકેશન પણ પૂરું થઈ ગયું. તેમ છતાં પાર્ક શરૂ થઈ શક્યો નથી. વધારાના ખર્ચની મંજૂરીનો મુદ્દો હજુ પણ ગૂંચવાયેલો હોવાથી લોકાર્પણની રાહ લંબાઈ રહી છે.

ઈન્ટરકનેક્ટેડ રોડ સહિતની સુવિધાથી પ્રવાસીઓને લાભ

લાયન સફારી પાર્કમાં સહેલાણીઓ માટે ફરવાની સુવિધા ઉપરાંત તેમનું લોકેશન ટ્રેસ કરી શકાય તે માટે ઈન્ટરકનેક્ટેડ રોડ પણ બનાવવામાં આવ્યા છે. પાર્કમાં પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર, વિવિધ રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજકોટના લોકોને શહેરની નજીક જ સાસણ અને દેવળિયા જેવો સિંહ દર્શનનો અનુભવ મળી શકશે.

ખાસ કરીને ઉનાળા, દિવાળી અને નાતાલની રજા જેવા પીક સમયગાળામાં સાસણ ગીર માટે પરમિટ મેળવવામાં મુશ્કેલી અનુભવતા પ્રવાસીઓ માટે રાજકોટ સફારી પાર્ક એક વિકલ્પ બની શકે છે. પ્રવાસીઓ પહેલા રાજકોટના સફારી પાર્કની મુલાકાત લઈ ત્યારબાદ જૂનાગઢ અને ગીર સોમનાથ તરફ પ્રવાસ કરી શકશે.

આ રીતે રાજકોટનો લાયન સફારી પાર્ક વ્યાપક ગીર પ્રવાસન સર્કિટનો પણ એક ભાગ બની શકે તેવી અપેક્ષા છે. હાલ પ્રોજેક્ટનું 90% કામ પૂર્ણ હોવા છતાં વધારાના ₹7.94 કરોડની મંજૂરી ન મળવાને કારણે પાર્ક શરૂ થઈ શક્યો નથી. હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધારાના ખર્ચ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સફારી પાર્કનું બાકીનું કામ અને લોકાર્પણ નિર્ભર છે.