Rajkot: શહેરના રાજનગર ચોકમાં પિતાના ઘરે રહેતી પરિણીતાએ ઑસ્ટ્રેલિયામાં રહેતા પતિ તેમજ જામનગરમાં રહેતા સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્નના ચોથા દિવસથી જ પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યા બાદ વિદેશ જતો રહ્યો હતો. જે બાદ સસરાએ પિયર મોકલી દીધી હોવાનું જણાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા 11 મહિનાથી રાજનગર ચોક સ્થિત પિતાના ઘરે રહેતા નિધિ અજુડિયા (31)એ પોતાના પતિ નિરવ અજુડિયા, સસરા વ્રજલાલ અજુડિયા, સાસુ રમાબેન અને દિયર રક્ષિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 14 ફેબ્રુઆરી, 2024ના રોજ તેમના લગ્ન નિરવ અજુડિયા સાથે થયા હતા, જે બાદ તેઓ સાસુ-સસરા સાથે જામનગરમાં સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા.
જ્યાં લગ્નના ચોથા દિવસે જ નિરવે તેમણે કહ્યું હતું કે, મે માત્ર માતા-પિતાને સાચવવા માટે જ તારી સાથે લગ્ન કર્યાં છે. મને તારા પ્રત્યે કોઈ લાગણી નથી અને ભવિષ્યમાં મારે તારાથી કોઈ બાળક પણ નથી જોઈતું. માનસિક ત્રાસ આપ્યા બાદ લગ્નના 17માં દિવસે પતિ નિરવ ઑસ્ટ્રેલિયા જતો રહ્યો હતો.
જે બાદ સાસરિયા સતત શંકા-કુશંકા કરીને ત્રાસ ગુજારતા હતા. તેઓ સબંધીઓ સાથે ફોન પર વાત કરવાની પણ ના પાડતા. જો રાતે સૂવે તો ઘરનો દરવાજો પણ ખુલ્લો રાખવાનું કહેતા હતા. માતા-પિતાએ કોઈ સંસ્કાર આપ્યા નથી તેમ કહીને મ્હેણાં મારતા હતા. સાસુ-સસરા અને દીયર પતિને ફોન કરીને તેમની વિરુદ્ધ ચડામણી કરતા હતા. ગત 1 એપ્રિલ, 2024ના રોજ સસરાએ ઑનલાઈન ટિકિટ કઢાવી પરિણીતાને બસમાં બેસાડી પિયર મોકલી દીધી હતી. આ મામલે ફરિયાદીએ સમાધાન માટે અનેક પ્રયાસ કરવા છતાં સાસરીમાંથી કોઈ તેડવા ના આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. (In Pic: પ્રતિકાત્મત ફોટો)
