Rajkot: શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી પરિણીતાએ જાતે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ. જયારે આગ ઠારવા જતા પતિ પણ દાઝી જતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયા પત્નીની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મવડી મેઇન રોડ પર નવલનગર શેરી નં.9માં રહેતી દિપાલી મિલનભાઇ ઝાલા (ઉ.વ.22)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે જાતે શરીરે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ. આ સમયે તેનો પતિ આગ ઠારવા જતા તે પણ હાથના ભાગે અને કપાળે દાઝી જતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. જયાં પત્ની દિપાલીની હાલત ગંભીર હોવાનુ તબીબો દ્વારા જણાવાયુ છે.
પ્રાથમિક તપાસમાં દિપાલીના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. જ્યારે પતિ મિલન કારખાના કામ કરે છે. મિલન મોબાઇલમાં પિકચર જોતો હોવાથી દિપાલીએ ‘તુ મારામાં ધ્યાન નથી આપતો, મોબાઇલમાં જ રહે છે’ અને તુ કેમ બહાર ફાકી ખાવા જાય છે તેમ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો.
જે બાદ દીપાલીએ રાત્રે પતિના બાઇકમાંથી પેટ્રોલ કાઢી લીધુ હતુ. સવારે પરિવારજનો કામ નીકળી ગયા બાદ તેણીએ અગ્નિસ્નાન કરી લીધુ હતું. પતિ મિલન કારખાને જવા નીકળ્યો હતો અને ઘર પાસે ફાકી ખાઇ પરત ઘરે આવતા ઉપરના રૂમમાં પત્ની સળગતી હોય તેને ઠારવા જતા તે પણ દાઝી ગયો હતો અને રૂમમાં ગાદલુ અને ઘરઘંટીનુ કવર પણ સળગી ગયું હતું.