Rajkot: વિછીયા પંચકમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં જાદુઈ ચશ્મા મેળવવા સગા મામાએ પોતાની સગીર વયની ભાણેજનું અપહરણ કર્યું હતું. જો કે નરાધમ સગીરાને આરોપીઓને સોંપે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો.
ગત 17 માર્ચના રોજ વિંછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કે, ફરિયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરી તેનો સગો મામો ભાગી છૂટયો છે. આ બનાવ અંગે પીઆઈ જે.પી. રાવ અને તેની ટીમે ગુનો દાખલ કરી સગીરા અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમ્યાન તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, આરોપી મામાને અગાઉ અન્ય ચાર આરોપીએ મોબાઈલમાં એક એન્ટીક ચશ્મા બતાવ્યા હતા. આ ચશ્માની મદદથી દીવાલની આરપાર જોઈ શકાય છે. જો આ ચશ્મા લેવા હોય, રૂપિયા આપવા આપવા પડશે. જો રૂપિયા ના આપે તો સગીરાને સોંપવા માટે આરોપીઓ વચ્ચે મામાની ડીલ થઈ હતી.
આ કાવતરાના ભાગરૂપે મામાએ સગીરાનું અપહરણ કરીને તેને અમરેલી લઈ ગયો હતો. આખરે પોલીસે આરોપી દિનેશને શોધીને તેને ઝડપી પાડ્યો છે. આ મામલે અગાઉ અન્ય ચાર આરોપી વિનુ હિરા સોલંકી, મેરામ પોપટ કણોત્રા, વલ્લભ બચુ સાપરા અને બાબુ ઉર્ફે ટીણો ભૂપત મકવાણા (રહે. ચારેય માંડવ ધાર તા. સ્વામિના ગઢડા)ની ધરપકડ કરવામાં આવી હતી.
