Rajkot: રાજકોટ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું- 'સારામાં સારું કામ થાય તેવા પ્રયત્નો રહેશે'

નવા કમિશનરે પ્રજાના પ્રશ્નોને સંકલન સાથે હલ કરવાની ખાતરી આપી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 09 Dec 2024 06:37 PM (IST)Updated: Mon 09 Dec 2024 06:37 PM (IST)
rajkot-news-tushar-sumera-took-charge-as-municipal-commissioner-441981

Rajkot: રાજકોટ મહાનગરપાલિકામાં અંતે મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. TRP ગેમઝોન બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલને ખસેડી દેવાયા બાદ તેમના સ્થાને દેવાંગ દેસાઈની નિમણૂંક કરવામાં આવી હતી, પરંતુ તેમની ઈચ્છા રાજકોટ કોર્પોરેશનમાં ફરજ બજાવવાની ન હોવાનું કારણ રજૂ કરતા સરકારે અંતે કાયમી મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાના નામની જાહેરાત શુક્રવારના રોજ કરી હતી. આજે તુષાર સુમેરાએ બપોરે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અને સારામા સારુ કામ થાય તેવો કોલ શહેરીજનોને આપ્યો હતો.

મહાનગરપાલિકામાં છેલ્લાછ માસથી તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી. અગ્નિકાંડ બાદ જાણે કોર્પોરેશનને એરુ આભડી ગયો હોય તેમ તમામ વિભાગ નિષ્ક્રિય થઈ ગયેલ, ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે દેવાંગ દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જો કે થોડા સમયમાં જ દેવાંગ દેસાઈએ રાજકોટ કમિશનર તરીકે પોસ્ટની અનિચ્છિા દર્શાવતા ગત શુક્રવારે સરકારે કાયમી મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાના નામે જાહેરાત કરેલ અને આજે તેઓની બપોરે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

આ સાથે જ નવા કમિશનરે પત્રકારોને જણાવ્યું કે, પ્રજાના પ્રશ્નો સંકલન સાથે સારામાં સારી રીતે ઉકેલાય તેવા પ્રયત્ન કરશું અમે લોકોને સાંભળવા માટે જ બેઠા છીએ અને લોકોને સારામાં સારી સર્વિસ આપી શકીએ તે પ્રકારની ટ્રેનીંગ અમને આપવામાં આવતી હોય છે. આથી ટીમ સાથે સંકલન કરી તમામ કામો સારી રીતે પાર પાડશું.

મને અર્બન ડેવલપમેન્ટનો પાંચ વર્ષનો અનુભવ હોવાના કારણે કામ કરવામાં સરળતા રહેશે. આજે હું સર્કિટ હાઉસ ખાતે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં હું અભ્યાસ કરતો તે સ્કૂલ આવેલ આથી જૂના સંભારણા વાગોળ્યા હતાં. સ્કૂલથી બસમાં જતી વખતે કોર્પોરેશનની કચેરી વચ્ચે આવતી ત્યારે જ IAS બનવાનું સપનું આજે પૂર્ણ થયું છે અને સદભાગ્યે રાજકોટ કોર્પોરેશનના કમિશનર તરીકે ચાર્જ મળ્યો છે. જેના લીધે ગર્વ અનુભવું છું.

કોર્પોરેશનમાં ફરજ બજાવતી વખતે અનેક પડકારોનો સામનો કરવો પડશે. તેવા પ્રશ્ર્નના જવાબમાં કમિશનરે જણાવ્યું હતું કે, હજુ તો ચાર્જ સંભાળ્યાને અડધો કલાક થયો છે. પરંતુ તમામ વિભાગગના અધિકારીઓ અને સ્ટાફ સાથે તથા પદાધિકારીઓ સાથે સંકલન કરી પડકારો સમાન કામો સરળતાથી ઉકેલાય તેવા પ્રયત્નો કરશું. સાથો સાથ લોકોને ઉપયોગી હોય તેવા કામોને પ્રાયોરીટી આપી સારુ પરફોમન્સ આપવા માટે શહેરીજનોની સાથો સાથ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સહકાર મેળવી એક ટીમ તરીકે કામ કરશું.