Rajkot: પલળી ગયેલો માલ લેવાનો વેપારીઓએ ઈન્કાર કર્યો, આખી રાતના ઉજાગરા બાદ ટ્રેક્ટરનું ભાડું પણ જતાં ખેડૂતોમાં રોષ

એક તરફ ખેતી ભાગમાં વાવવી પડે છે. બીજી તરફ, બિયારણ મોંઘા, ખાતર મોંઘા, દવા મોંઘી અને ઉપરથી કમોસમી વરસાદનો માર પડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Nov 2025 03:35 PM (IST)Updated: Tue, 04 Nov 2025 05:10 PM (IST)
rajkot-news-traders-refused-to-accept-the-lost-goods-due-to-unseasonal-rain
HIGHLIGHTS
  • આખી રાતના ઉજાગરા બાદ મગફળી પાછી લઈ જવાની ફરજ પડી

Rajkot: એક તરફ રાજ્યભરમાં મગફળીનો સરેરાશ ભાવ 800 થી 1200 રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યો છે, ત્યારે જસદણ માર્કેટ યાર્ડ (APMC)માં ચીતલીયા ગામના એક ગરીબ અને લાચાર ખેડૂતની મગફળીને માત્ર 300 રૂપિયા પ્રતિ મણના ભાવે પણ લેવા માટે વેપારીઓએ સ્પષ્ટ ઇન્કાર કરી દેતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

ખેડૂત દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, કમોસમી વરસાદના કારણે તેમની મગફળી પલળી ગઈ હતી. જોકે, ખેડૂતે મહેનત કરીને તે મગફળી જાતે જ ફોલી અને તેમાંથી બી (દાણા) કાઢ્યા હતા. ખેડૂતનો દાવો છે કે, મગફળીના દાણામાં કોઈ વાંધો નહોતો અને તે 'સરસ મજાની' ગુણવત્તાના હતા. આમ છતાં વેપારીઓએ માલની ગુણવત્તાનું બહાનું આપીને આટલો ઓછો ભાવ આપવાની પણ ના પાડી દીધી.

મગફળી વેચવા આવેલા ખેડૂતોને આખી રાત લાંબી કતારોમાં લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું અને ઉજાગરો કરવો પડ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યે તેમને APMCમાં પ્રવેશ આપવામાં આવ્યો. જ્યારે આખરે ખેડૂતનો મગફળીનો આરાધીમાં (હરાજીમાં) વારો આવ્યો, ત્યારે વેપારીઓના આ વલણથી ખેડૂત ભાંગી પડ્યો હતો

આ સમયે ખેડૂતે પોતાની વ્યથા રજૂ કરતાં જણાવ્યું હતું કે, એક તરફ ખેતી ભાગમાં વાવવી પડે છે. બીજી તરફ, બિયારણ મોંઘા, ખાતર મોંઘા, દવા મોંઘી અને ઉપરથી કમોસમી વરસાદનો માર પડે છે.