Rajkot: ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ ઓદ્યોગિક વિસ્તારમાં ચાર બુકાનીધારી તસ્કરોએ આંતક મચાવી 13થી વધુ કારખાનાઓને નિશાન બનાવી પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. તસ્કરોને પાંચ કારખાનામાંથી રૂ.88 હજારની રોકડ હાથ લાગી હતી. જયારે અન્ય 8 જેટલા કારખાનામાં કશું હાથ લાગ્યું ન હોય ત્યાં તોડફોડ કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ બુકાનીધારી તસ્કર ટોળકીને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરી પોલીસે તપાસ શરુ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધોરાજીના જૂનાગઢ રોડ ઔદ્યોગિક વિસ્તારમાં ચાર બુકાનીધારી તસ્કરોએ આંતક મચાવી એક જ રાતમાં 13 કારખાનાને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ કારખાનાઓના તાળાં અને શટર ઉચકાવી રોકડ રકમની ચોરી કરી હતી સાથે તોડફોડ પણ કરી હતી.
આ મામલે ઉપર ધોરાજીના જૂનાગઢ ગોકુલ પેકેજિંગ નામે કારખાનું ચલાવતા અને ધોરાજી હીરપરા વાડી પાસે રહેતા હરસુખભાઈ કનુભાઈ ગેવરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની ધોરાજી ખાતે જૂનાગઢ રોડ પર આવેલ ગોકુલ પેકેજીંગ નામના પ્લાસ્ટીકના કારખાના માંથી તસ્કરો રૂ.30,000 ની રોકડ રકમની તથા આજુબાજુમાં આવેલ અન્ય કારખાનાઓ જેમાં મોસમ પ્લાસ્ટિક નામના કારખાનામાંથી રૂ.4500 ની રોકડ રકમની તથા રજવાડી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી રૂ.32,000ની રોકડ, યુનિક પ્લાસ્ટિક નામના કારખાનામાંથી રૂ.12,000/- ની રોકડ,ઓમ સાઇ નામના કારખાનામાંથી રૂ.10,000ની રોકડ રકમની એમ કુલ 5 કારખાનાઓમાંથી રૂ.88,500 જેટલી રોકડ રકમની ચોરી કરી ગયા હતા.
આ સિવાય 08 કારખાનાઓ જેમાં પરીન પ્લાસ્ટિક,શ્રી ઇન્ડ્રસ્ટ્રીયલ ,અર્જુન પ્લાસ્ટિક ,જેનરી એન્ટરપ્રાઇઝ, નિલેશ પોલીમર્સ ,સુમિત પોલીમર્સ , કે.કે.પોલીમર્સ , ખોડલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનાઓમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં કશું હાથ નહી લગતા તસ્કરોએ કારખાનામાં તોડફોડ કરી હતી.
આ ચોરીના બનાવથી પ્લાસ્ટિક ઉદ્યોગ અને કારખાના માલિકોએ પ્લાસ્ટિક ઉદ્યોગના પ્રમુખ દલસુખભાઈ વાગડિયાને સાથે રાખી પોલીસ અધિકારીઓને ઓદ્યોગિક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી છે.
ધોરાજીમાં બનેલી ચોરીની ઘટના બાદ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ મામલે તાત્કાલિક તસ્કરોને પકડી લેવા સુચના આપી છે. ધોરાજીમાં બનેલી ચોરીની ઘટના બાદ આ તસ્કર ટોળકીનું પગેરૂ મેળવવા જિલ્લાભરમાં પોલીસે નાકાબંધી કરી તસ્કરોને ઝડપી લેવા જિલ્લાભરમાં તપાસ શરૂ કરી છે.
