Rajkot: ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપૂજક સમાજના બે જૂથો વચ્ચે મોડી રાતે જૂથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની હતી. જે પૈકી ચારને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.બનાવ નાં પગલે હોસ્પિટલ માં દેવીપુજક સમાજ નાં ટોળા એકઠા થતા અને વાતાવરણ તંગ બનતા બન્ને ડીવીઝન નાં પીઆઇ.જે.પી.રાવ તથા એલ.આર.ગોહિલ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ દોડી ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, ગઈકાલે રાતના 10 વાગ્યાની આસપાસ હોસ્પિટલ સામે આવેલ ચોકમાં દેવીપૂજક સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલાતા દેકારો બોલી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી.
આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થતા 4 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ તથા એક ઇજાગ્રસ્તને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં પણ બંને જૂથનાં લોકો સામ સામે આવી જતા બઘડાટી બોલી હતી. આ ઘટનાને પગલે ભારે તંગદીલી સર્જાઇ હતી.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત દેવીપુજક સમાજના અમિત સેતલભાઈ મકવાણા ( ઉ.વ.15) અશ્વિનભાઈ ભરતભાઇ મકવાણા (ઉ.વ.25) રામા રવજીભાઈ સોલંકી ( ઉ.વ.25) રેખાબેન અકાશભાઈ રાઠોડ (ઉ.વ.19) ને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા. જ્યારે રોહિત અશોકભાઈ સોલંકી (ઉ.વ.21) ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ નાં પગલે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી તપાસનો દોર લંબાવ્યો છે.
