નરેન્દ્ર આહીર, Rajkot News: રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર કંકુબેન ઉઘરેજાના દિયર રણછોડભાઈ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં જ રાજકોટ ઠાકોર સેનાના પ્રમુખ અને OBC નેતા રણછોડભાઈ ઉઘરેજાએ ભાજપ પર પોતાના ચુંવાળિયા ઠાકોર સમાજને અન્યાય કરવામાં આવતો હોવાના સંગીન આક્ષેપ કર્યાં છે.
ભાજપમાં રહીને રાજા બનવા કરતાં કોંગ્રેસમાં રહીને ભીખ માંગવી સારી
આ પણ વાંચો
કોંગ્રેસમાં જોડાયેલા રણછોડભાઈ ઉઘરેજાએ જણાવ્યું કે, છેલ્લા 35 વર્ષથી ભાજપે સૌરાષ્ટ્રના ચુંવાળિયા ઠાકોર સમાજ પાસેથી માત્ર મત જ લીધા છે. અત્યાર સુધી ભાજપે અમારા સમાજનો એક પણ ધારાસભ્ય નથી આપ્યો. આટલું જ નહીં, સંગઠનમાં પણ અમારા સમાજના કોઈ આગેવાનને સારું સ્થાન નથી આપવામાં આવ્યું.
જ્યારે કોઈ સભા કે સંમેલન હોય, ત્યારે ભીડ ભેગી કરવા માટે ભાજપ અમારા સમાજનો ઉપયોગ કરે છે. ચૂંટણી ટાણે જ ચુંવાળિયા ઠાકોર સમાજના આગેવાનોને યાદ કરવામાં આવે છે.
મારું માનવું છે કે, ભાજપમાં રહીને રાજા બનવા કરતા અને ગરીબોને બેઘર કરીને તેમનું લોહી ચુસવા કરતાં કોંગ્રેસમાં રહીને ભીખ માંગવી અને ગરીબોના આંસુ લુછવા સારા. આથી જ અમે સમાજને સાચી દિશા દેખાડવા માટે કોંગ્રેસમાં જોડાયા છીએ.
લોકો ભાજપનો અસલી ચહેરો જાણી ગયા, પરિવર્તન ઈચ્છે છે
આ તકે કોંગ્રેસના ડૉ. મહેશ રાજપૂતે જણાવ્યું કે, આ પ્રવેશ માત્ર કોઈ વ્યક્તિનો પક્ષપલટો નથી, પરંતુ ભાજપની આંતરિક નારાજગી અને નિષ્ફળતાનું પ્રતિબિંબ છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા છેવાડાના માનવી અને સમાજના તમામ વર્ગોના હિત માટે કાર્યરત છે. ભાજપ માત્ર વાતો કરવામાં માને છે, જ્યારે કોંગ્રેસ કામ કરવામાં મામે છે. રણછોડભાઈનો કોંગ્રેસ પ્રવેશ સાબિત કરે છે કે, લોકો હવે ભાજપના ખોટા વાયદાથી કંટાળી ગયા છે અને તેમને હવે કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ બેઠો છે. લોકો ભાજપનો અસલી ચહેરો જાણી ગયા છે અને પરિવર્તન ઇચ્છી રહ્યા છે.
