Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા 'મનપસંદ જીમખાના'ને સીલ મારવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દરિયાપુરના વોર્ડ નંબર 21માં આવેલી આ મિલકત પર બાંધકામ માટે 1962માં મંજૂરી મેળવવામાં આવી હતી. જે અંતર્ગત ગ્રાઉન્ડ ફ્લોર પર કોમર્શિયલ અને પ્રથમ તેમજ બીજા માળે રહેણાંક હેતુ માટે વપરાશની પરવાનગી આપવામાં આવી હતી.
જો કે તપાસ દરમિયાન સામે આવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર સહિત અન્ય માળનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરવામાં આવી રહ્યો હતો. જેમાં મનપસંદ જીમખાના ચલાવવામાં આતું હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 20 માર્ચ, 2025ના રોજ આ જગ્યાએ ત્રીજા માળ પર કરવામાં આવેલા બિનઅધિકૃત બાંધકામને પણ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું હતુ. આમ છતાં તેનોબિનઅધિકૃત વપરાશ ચાલુ રહેતા આજ રોજ મધ્ય ઝોનના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (DTDO)ની સૂચના હેઠળ દરિયાપુર પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જીમખાનાને સીલ કરી તેનો વપરાશ બંધ કરાવવામાં આવ્યો છે.
આ સાથે જ AMC દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ આ સીલનો ભંગ કરશે અથવા ગેરકાયદે પ્રવેશ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ કાયદેસરની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોર્પોરેશનની આ કામગીરીથી વિસ્તારના ગેરકાયદે બાંધકામ અને વપરાશ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
