Rajkot: સંત કબીર રોડ પર કાળદૂત માફક દોડતા ટેન્કર ચાલકે સાયકલ પર જતાં વિદ્યાર્થીને કચડ્યો, રસ્તા પર માંસના લોચા વિખેરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Sep 2024 04:19 PM (IST)Updated: Wed, 04 Sep 2024 04:19 PM (IST)
rajkot-news-tanker-hits-cycle-school-student-died-on-the-spot

Rajkot: શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ છાશવારે જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આવી જ વધુ એક ઘટના શહેરના સંત કબીર રોડ પરથી સામે આવી છે. જેમાં બેફામ ટેન્કર ચાલકે સાયકલ લઈને જતાં વિદ્યાર્થીને કચડી નાંખ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સંતકબીર રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતો પવન નિશાદ (12) શહેરના રણછોડનગરમાં આવેલી શાળા નંબર-15માં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આજે બપોરે પવન સાયકલ લઈને સંત કબીર રોડ પર આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે માંતેલા સાંઢની માફક ધસી આવેલા ટેન્કર ચાલકે પવન નિશાદની સાયકલને ઠોકર મારીને ભાગી છૂટ્યો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પવન નિશાદનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. બીજી તરફ આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે પંચનામું કરીને પવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

naidunia_image

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પવન નિશાદનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને તેના પિતા રાજકોટમાં ઈમિટેશનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પવન નિશાદ 3 ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટો હતો. જે સ્કૂલેથી છૂટીને સાયકલ લઈને ઘર તરફ આવી રહ્યો હતો, ત્યારે જ અકસ્માતમાં તેનું મોત થયું છે. હાલ તો આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી ટેન્કર મૂકી નાસી છૂટેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.