અમદાવાદ પોલીસ દ્વારા કોન્સ્ટેબલની બઢતીનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાનું પણ નામ હતું. જો કે આ મામલે અમદાવાદ પોલીસ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો. આ મામલે ગોપાલ ઈટાલીયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં ઈટાલિયાએ ભૂતિયા શિક્ષકો હોય છે, એમ ક્યાંક ભૂતિયા પોલીસવાળાના પગાર કોઈ ખાતું નહીં હોય ને? તેવો સવાલ ઉઠાવ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું કે, ગઈકાલે સવારથી મારા મોબાઈલ પર શુભેચ્છા અને શુભકામનાઓના મેસેજ આવ્યા હતા. હું તો ખુશ થઇ ગયો કે, પાર્ટી કોઈ ચૂંટણી જીતી હશે. જ્યારે મેં જોયું તો ગોપાલભાઈ હેડ કોન્સ્ટેબલ બની ગયા. હું તો ખુશ થઈ ગયો હતો. મેં જોયું તો જાણવા મળ્યું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની જે યાદી બહાર પાડવામાં આવી હતી તેમાં મારું નામ છે.
10 વર્ષ પહેલા જે નોકરીમાંથી મેં રાજીનામું મૂકી દીધું. એ નોકરીમાં મને 10 વર્ષ પછી પ્રમોશન આપવાના લિસ્ટમાં મારું નામ જોયું અને સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયું. આથી લોકોએ કટાક્ષ કર્યો, મજાક કરી, મસ્તી કરી, ટીકા કરી બધું થયું અને સાંજે અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો કે, ગોપાલ ઈટાલીયાએ પોસ્ટ કરી છે એ ખોટી છે. જો કે એ લિસ્ટમાં ગોપાલ ઈટાલીયાના એકલાનું નહી અનેક એવા નામ છે કે, જે લોકો હાલમાં કોન્સ્ટેબલ છે જ નહી. જે માણસ કોન્સ્ટેબલ જ નથી તો એનું લિસ્ટમાં કેવી રીતે નામ આવી ગયું?
ગોપાલ ઇટાલીયા રાજકારણમાં કામ કરે છે, તે આખા ગુજરાતમાં બધાને ખબર છે. આમ છતાં એ ક્લાર્કને ખબર ના રહી. સૌથી ખાસ વાત એ લિસ્ટ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું છે. લોકરક્ષકમાંથી હેડકોન્સ્ટેબલ બનાવવાનું નથી. હું નોકરી કરતો હતો, ત્યારે હું લોકરક્ષક કોન્સ્ટેબલ હતો. એટલે લોકરક્ષક અને કોન્સ્ટેબલમાં એટલો ફર્ક છે કે, લોકરક્ષક 5 વર્ષના ફિક્સ પગારમાં કોન્સ્ટેબલ હોય અને કોન્સ્ટેબલ હોય એ કાયમી પગારનો ફૂલ કોન્સ્ટેબલ હોય. હું ફિક્સ ફ્ગારનો કોન્સ્ટેબલ હતો.
આ જે લિસ્ટ છે એ ફૂલ પગારના કોન્સ્ટેબલનું લિસ્ટ છે. હું ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં ક્યારેય આવ્યો જ નથી, તો ફૂલ પગારના લિસ્ટમાં ય મારું નામ કેવી રીતે આવ્યું? જયારે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ નથી, તો મારું હેડ કોન્સ્ટેબલ બનાવવાના લિસ્ટમાં શું કામ નામ આવ્યું ? તો આ ગંભીર બેદરકારી છે.
ખાસ કરીને પોલીસ વિભાગ જેવા સેન્સેટીવ વિભાગમાં જો આવી બેદરકારી હોય તો ક્યાંય મનમાં શંકા અને ડર આવે કે, જેમ ભૂતિયા શિક્ષકો હોય છે એમ ક્યાંક ભૂતિયા પોલીસ વાળા નહી હોય ને. ક્યાંક ભૂતિયા પોલીસવાળાના પગાર કોઈ બીજુ તો નહીં ખાતું હોય ને. આ ડર લાગે અને આ ચિંતા થાય છે, એટલે મારી ગૃહમંત્રીને વિનંતી છે કે, જરાક આમાં ધ્યાન આપે અને પોલીસ ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી.
