Rajkot: રાજકોટની વિવાદિત ડો.હિરેન મશરૂની હોસ્પિટલ 'નિહિત બેબી કેર' વિરુદ્ધ વધુ એક વખત ગંભીર આક્ષેપો થયા છે. શહેરની બાબરીયા કોલોની પાસે રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ભંગારના ધંધાર્થી યુવાનના 8 મહિનાના બાળકને બીમારી સબબ નિહિત બેબી કેર હોસ્પિટલમાં દેખાડવા લઈ જવાયા બાદ રિપોર્ટ થતાં ડેંગ્યુ આવતાં તેને દાખલ કરવામાં આવ્યું હતુ. જ્યાં રિપોર્ટ નોર્મલ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવાની હોઈ એ પહેલા ડોક્ટરે લખેલા ચાર ઈન્જેક્શન નર્સ દ્વારા એક જ સાથે આપી દેવામાં આવતાં બાળક ઊંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઇ ગઈ હતી.જે બાદ રજા લઈ ઘરે લઈ જવાયા બાદ ફરી બાળકની હાલત બગડતા ફરી હોસ્પિટલે લઈ જતાં તેનું મૃત્યુ થયું હતું. બેદરકારીથી મૃત્યુનો પરિવારજનોએ આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા આફતાબ અંસારી (8 માસ)ની તબીયત બગડતા તેને ડૉ. હિરેન મશરૂની 'નિહિત બેબી કેર' હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતુ. જ્યાં મોડી રાતે બાળકનું મોત થતાં હોસ્પિટલ મારફતે ભક્તિનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મૃત બાળકના પિતા અલ્તાફ અન્સારીએ જણાવ્યું કે, ગત 15મી ઓક્ટોબરે તેમના દીકારને તાવ જેવું લાગતા દવા પીવડાવી હતી. જે બાદ આંચકી આવતા તેને નિહિત બેબી કેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં મેડિકલ રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું નિદાન થતાં ડોક્ટરના કહેવાથી નિહિત બેબી કેરમાં દાખલ કર્યો હતો.
જો કે 17 ઓક્ટોબરે ફરી રિપોર્ટ કરવામાં આવતા ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવતા ડોક્ટરે રજા આપવાની વાત કરી હતી. ગઈકાલે રજા આપતી વખતે ડોક્ટરે દવા અને ઈન્જેક્શન લઈ આપ્યા હતા. જેથી હું 4 ઈન્જેક્શન લઈને આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના નર્સે થોડી-થોડી મિનિટોના અંતરે વારાફરતી 4 ઈન્જેક્શન મારા દીકરાને આપી દીધા હતા. જેથી બાળક ઊંઘી ગયું હોય અમને રજા આપતા અમે ઘરે ગયા હતા.
જ્યાં સાંજે ફરીથી બાળકની તબીયત બગડતા અમે હોસ્પિટલ લઈને આવ્યા હતા. આ સમયે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં બાળકની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું લાગતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી છે. હાલ તો માલવિયાનગર પોલીસ મથકના સ્ટેફ વધુ તપાસ હાથ ધરી છે.
