Jangleshwar Demolition: SITના વડા અચાનક બદલી નાંખતા કટકી કાંડની તપાસ પર સવાલ ઉઠ્યા

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન કૌભાંડની તપાસ માટે રચાયેલી SITના વડાને અચાનક બદલવામાં આવતા રહસ્ય ઘેરું બન્યું છે. સ્વચ્છ છબી ધરાવતા અધિકારી ચેતન નંદાણીને હટાવી સરકાર નિયુક્ત કેતન જોષીને જવાબદારી સોંપાઈ છે, જે તપાસની નિષ્પક્ષતા પર સવાલો ઉભા કરે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Jul 2026 05:29 PM (IST)Updated: Fri, 03 Jul 2026 05:29 PM (IST)
rajkot-news-sudden-replacement-of-the-sit-chief-investigating-in-jangleshwar-demolition

Jangleshwar Demolition: રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂપિયાની કટકી થઇ હોવાના એક પછી એક ભાંડાફોડ થયા બાદ અંતે આ પ્રકરણની તપાસ માટે શાસકોએ ‘SIT’(તપાસ કમિટી) બનાવી છે. જો કે આ સીટ માત્ર કહેવા પુરતી જ એટલા માટે કહી શકાય કે કૌભાંડોના મુળિયા જ્યાથી નખાયા હતા તે વહિવટી વિભાગને જ સીટની રચના કરવાની જવાબદારી સોંપવામા આવી છે.

એક રીતે બિલાડીને દૂધના રખોપા જેવી આ તપાસ કમિટી બની છે. SITની રચના થઇ હતી ત્યારે તપાસનીશ વડા તરીકે સ્વચ્છ અને તટસ્થ અધિકારીની છાપ ધરાવતા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને બદલાવીને તેની જગ્યાએ સરકાર નિયુક્ત ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કેતન જોષીને જવાબદારી સોંપવામા આવી છે. હજુ તો તપાસનો કક્કો માંડ ઘુંટવામા આવ્યો છે, ત્યા અચાનક જ આ ફેરબદલ પાછળ ઘેરુ રહસ્ય સર્જાયુ છે.

‘તપાસ કમિટી’ આ એક એવી છટકબારી છે કે, જેમાં ભલભલા કસુરવાન માટે ‘બાઇજ્જત’ બરી થવા માટેની વ્યવસ્થિત ગોઠવણ થઇ જાય. કુલડીમાં ગોળ ભાંગવા માટે તપાસ કમિટીના નામનું પ્લેટફોર્મ સરળ ઉપાય છે.

આજે માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્યભરમાં છાપરે ચડીને છતા થયેલા જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં લાખો રૂૂપિયાની કટકીના કાંડમાં મેયર ડો.નેહલ શુક્લના આદેશથી ‘સીટ’(તપાસ કમિટી)ની રચના તો કરવામા આવી છે પણ આ કમિટીમાં વહીવટી અધિકારી એટલે કે ‘ઘરના ભૂવા અને ઘરના ડાકલા’ની જ નિમણુંક કરવામા આવી છે.

કમિટીની રચના કરવામા આવી હતી ત્યારે તપાસનીશ વડા તરીકે સ્વચ્છ અને તટસ્થની છબી ધરાવતા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને રાખવામમા આવ્યા હતા અને તેમના અન્ડરમાં અન્ય ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, આસી. કમિશનર કાથરોટિયા, ઇન્ચાર્જ સિટી ઇજનેર પરેશ અઢિયા સહિત કુલ પાંચ સભ્યો હતા.

હજુ તો કમિટીએ તપાસનો કક્કો માંડ ઘુટ્યો કે એ સાથે જ ‘સીટ’ના વડા તરીકે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને હટાવી નાખવામા આવ્યા છે. નોંધનીય છે કે, ડીએમસી ચેતન નંદાણીની છાપ પહેલેથી જ સ્વચ્છ અને તટસ્થ અધિકારી તરીકેની રહી છે. અચાનક જ તેમને સીટના વડા તરીકે હટાવી લેવા પાછળ અનેક રહસ્યમય સવાલોનો કોયડો સર્જાયો છે.

સીટના નવા વડા તરીકે સરકાર નિયુક્ત ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કેતન જોષીને મુકી દેવામા આવ્યા છે. તપાસ કમિટીમાં હવે છ સભ્યો રહેશે. અહીં સવાલ એ સર્જાયો છે કે, આ રીતે અચાનક જ સીટના વડામાં ફેરફાર કરવા પાછળનું શું કારણ હોય શકે?