Jangleshwar Demolition: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી પુર્વે કરાયેલા ડિમોલિશન દરમિયાન ખાણી-પીણી અને જયાફતના આડેધડ ખર્ચાઓનો વિવાદ ચરમસીમાએ પહોંચતા અંતે સ્ટેન્ડીંગ કમિટીએ રૂ.27 લાખનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત નામંજૂર કરી દીધી છે. જયારે પાણીના ખર્ચાની દરખાસ્તમાં તમામ રેટ કોન્ટ્રાકટનો રિવ્યુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે ઉંચા ભાવે ખરીદાયેલ પાણીની બોટલોનું બિલ રેટ કોન્ટ્રાકટ મુજબ ચૂકવાઈ ગયું હોવાથી સ્ટેન્ડિંગ કમિટીએ લાચારી વ્યક્ત કરી હાથ ઉંચા કરી દીધા હતા. પાણી ઉપરાંત વીડિયોગ્રાફી અને મંડપ સર્વિસના તગડા ખર્ચના બિલમાં ‘નિયમ મુજબ’ ચુકવણા થઇ ગયાની કેસેટ વગાડવામાં આવી છે.
સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાનાં જણાવ્યા મુજબ, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય ત્રણ જ દરખાસ્ત હતી. જેમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા રૂ. 27 લાખના ખર્ચની દરખાસ્ત માટે ટેન્ડરની નિયત પ્રક્રિયા કરવામાં આવી નહીં હોવાનું સામે આવતા આ ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે. રાજકોટનાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે પાણીનાં બિલો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 3માં મળતી પાણીની બોટલોની મનપા દ્વારા રૂ. 8નાં ભાવે ખરીદી થઈ હોવાનો પર્દાફાશ થયો હતો. આ ખર્ચ રેઈટ કોન્ટ્રાકટ અંતર્ગત કરાયો હોય ભારે વિવાદ સર્જાયો હતો. જેને લઈ આજની સ્ટેન્ડિંગની બેઠકમાં મેયર દ્વારા રેઈટ કોન્ટ્રાકટ અંગે અરજન્ટ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આ તમામ કોન્ટ્રાકટનો રિવ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ચાલુ રેટ કોન્ટ્રાકટમાં જો કોઈ પાર્ટી નીચા ભાવે કામ કરવા ઈચ્છશે તો જૂનો કોન્ટ્રાકટ રદ્દ કરી નવી પાર્ટી સાથે રેઈટ કોન્ટ્રાકટ કરવામાં આવશે.
મનપાનાં નિયમ મુજબ, નવો રેટ કોન્ટ્રાકટ થાય નહીં ત્યાં સુધી જૂની પાર્ટી જુના કોન્ટ્રકટ મુજબ વસ્તુ આપે છે. આ કારણે પણ મનપાને વધુ ખર્ચ થતો હોવાનું સામે આવ્યું છે. બિલોમાં પણ જૂની પાર્ટીનો કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતાં તેણે પાણી સપ્લાય કર્યું હોવાનું ખુલ્યું હતું. આવા કિસ્સા માટે પણ જે કોઈ રેઈટ કોન્ટ્રાકટ પુરા થયા છે તેના તાત્કાલિક નવા ટેન્ડર કરવાનો આદેશ પણ આજે પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે.
મેયર ડો. નેહલ શુક્લએ આ મામલે જણાવ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા, પુન: સમીક્ષા અને તેને રદ કરવા બાબતે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનને એક અનુરોધ કર્યો હતો કે આની પુન: સમીક્ષા થવી જોઈએ. જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવો ઠરાવ આવ્યો છે, જેની માહિતી હાલ મને ચેરમેન દ્વારા આપવામાં આવી છે કે હાલ જે કોઈ પણ રેટ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં છે તે બધા જ રેટ કોન્ટ્રાક્ટની પુન: સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા કર્યા બાદ જેમાં જરૂૂર જણાય તે તમામમાં રેટ કોન્ટ્રાક્ટ રદ કરીને રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વધુમાં ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય અને રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન હોય, ત્યાં સુધી કોર્પોરેશનની જે તે શાખા દ્વારા તુરંત જ એક સ્પેશિયલ ટેન્ડર પ્રકાશિત કરવામાં આવશે. આ નિર્ધારિત ભાવે જે કોઈ પણ પાર્ટી કે વેન્ડર કોર્પોરેશનને સર્વિસ ઉપલબ્ધ કરાવવા માંગતા હશે અને અરજી કરશે, તે તમામની અરજી સ્વીકારીને તેમને એકનોલેજ કરી એમપેનલ કરવામાં આવશે. આ એમપેનલમેન્ટ થયા બાદ ઉપલબ્ધ ભાવોમાંથી યોગ્ય પસંદગીના આધારે જ સર્વિસ લેવામાં આવશે.
આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, નાના-મોટા કોઈપણ ભાવમાં જો એવું લાગશે કે અહીં વધારે ચૂકવણું થઈ ગયું છે, તો તેમાં કોઈ પણ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ.
