વડોદરામાં વગર વરસાદે જળબંબાકારઃ MGVCLની બેદરકારીથી લાખો ગેલન પાણી વેડફાયું, પૂર્વ કોર્પોરેટરના ઘરમાં પાણી ઘૂસ્યા

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં MGVCLની બેદરકારીથી પાણીની મુખ્ય લાઈન તૂટતા લાખો ગેલન પીવાનું પાણી વેડફાયું અને રસ્તાઓ પર ભરાઈ ગયું, જેનાથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. આ ઉપરાંત, સેવાસી ગામના તળાવમાંથી બે દિવસથી ગુમ આધેડનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક છવાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Jul 2026 05:47 PM (IST)Updated: Wed, 01 Jul 2026 05:47 PM (IST)
vadodara-news-water-waste-mgvcl-negligence-floods-navayard

Vadodara: વડોદરા શહેરમાં ચોમાસાની રાહ જોવાતી હોય તેવા માહોલ વચ્ચે, વગર વરસાદે 'પૂર' જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ટીપી-13 નવાયાર્ડ વિસ્તારમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને આયોજનના અભાવે લાખો ગેલન શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વેડફાયું છે, જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

હકીકતમાં એમજીવીસીએલ (MGVCL) દ્વારા વિસ્તારમાં વીજળીના કામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન યોગ્ય સાવચેતી કે નકશાના અભાવે પાલિકાની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.

પાઈપલાઈન ફૂટતાની સાથે જ પાણીનો ફોર્સ એટલો પ્રબળ હતો કે થોડી જ વારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. આ પાણી માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી ગયું હતું.

આ બેદરકારીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પૂર્વ કોર્પોરેટર જહાભાઈ ભરવાડના નિવાસસ્થાન સુધી પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે.

લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમજીવીસીએલ વચ્ચે કોઈ જ પ્રકારનું આંતરિક સંકલન નથી. એક વિભાગ જ્યારે કામ કરે ત્યારે બીજા વિભાગને જાણ હોતી નથી અથવા તો સંકલન સાધવામાં નિષ્ફળ જાય છે, જેનો ભોગ છેલ્લે તો સામાન્ય નાગરિકો જ બને છે.

એક તરફ તંત્ર દ્વારા 'પાણી બચાવો'ના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ આવી બેદરકારીને કારણે લાખો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી જાય છે. ઉનાળાના આ દિવસોમાં જ્યારે અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારતા હોય, ત્યારે આ રીતે પાણીનો વેડફાટ કરવો તે ગુનાહિત બેદરકારી સમાન છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, આટલા મોટા નુકસાન માટે જવાબદાર કોણ? શું પાલિકા તંત્ર એમજીવીસીએલ સામે કોઈ કાર્યવાહી કરશે કે પછી હંમેશની જેમ આ ઘટનાને પણ દબાવી દેવામાં આવશે? નાગરિકો હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.


સેવાસીમાં બે દિવસથી ગુમ આધેડનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો

સેવાસી ગામના મંદિર પાસે આવેલા તળાવમાં કોઈનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તુરંત વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ તળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપ્યો હતો.

મૃતકની ઓળખ સેવાસી ગામના આમલીવાળા ફળિયામાં રહેતા 45 વર્ષીય રમેશભાઈ મંગળભાઈ સોલંકી તરીકે કરવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રમેશભાઈ છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. આજે અચાનક તેમનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.