Kheda: કપડવંજ ફટાકટા ફેક્ટરી વિસ્ફોટઃ ગંભીર રીતે દાઝેલા શ્રમિકે અમદાવાદ સિવિલમાં દમ તોડ્યો, ફરાર માલિક સામે કડક કાર્યવાહીની તૈયારી

ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 3 દિવસથી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે દમ તોડ્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Jul 2026 05:33 PM (IST)Updated: Wed, 01 Jul 2026 05:33 PM (IST)
kheda-news-kapadvanj-factory-blast-worker-dies-in-ahmedabad-civil-hospital-owner-absconds

Kheda: કપડવંજની ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલી ગોઝારી વિસ્ફોટની (Kapadvanj Factory Blast) ઘટનાએ આખરે એક શ્રમિકનો જીવ લીધો છે. ફેક્ટરીમાં થયેલા ભીષણ ધડાકા બાદ ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે.

આ દુર્ઘટના બાદ મૃતક શ્રમિક છેલ્લા ત્રણ દિવસથી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો હતો, પરંતુ શરીરે ગંભીર ઈજાઓ અને વધુ પડતા દાઝી જવાને કારણે તબીબોના તમામ પ્રયાસો આખરે નિષ્ફળ રહ્યા હતા. 

 

વિસ્ફોટ થયા બાદ શ્રમિકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સઘન સારવાર અને ઓપરેશન છતાં તેની તબિયતમાં કોઈ સુધારો ન થતા આખરે તેનું હોસ્પિટલના બિછાને જ મૃત્યુ થયું છે. શ્રમિકના અકાળે મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ આ સમગ્ર ઘટનામાં મુખ્ય જવાબદાર ગણાતા ફેક્ટરીના માલિક મિતુલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વિસ્ફોટ થયાના દિવસથી જ આરોપી મિતુલ પટેલ ફરાર થઈ ગયો છે, જે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.

સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે, જો માલિકની સત્વરે ધરપકડ કરીને તેની સઘન પૂછપરછ કરવામાં આવે, તો જ ફેક્ટરીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષાના ધજાગરા અંગેના ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે તેમ છે.

હવે જ્યારે સારવાર હેઠળ રહેલા શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે, ત્યારે આ કેસમાં કાયદાકીય રીતે મોટો વળાંક આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા અગાઉ નોંધાયેલી ફરિયાદમાં હવે વધુ ગંભીર કલમોનો ઉમેરો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

નડિયાદ એસઓજી (SOG) ની ટીમ દ્વારા ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું કેટલું પાલન થતું હતું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફરાર માલિકને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કરુણ ઘટના બાદ કપડવંજ પંથકમાં ઔદ્યોગિક સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ હવે આરોપી માલિકની ધરપકડ કરી તેને કાયદાના સકંજામાં લેવા માટે કડક કાર્યવાહી કરશે.