Junagadh Rain: માળિયા હાટીનામાં સતત બીજા દિવસે મેઘરાજાનું દે..ધનાધન, નદીઓમાં ઘોડાપૂર, ખેતરો બેટમાં ફેરવાયા

આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં માળીયા હાટીનામાં 211 મિ.મી (8.3 ઈંચ) વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 2 કલાકમાં જ ગાજવીજ સાથે 97 મિ.મી. વરસાદ નોંધાયો છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Jul 2026 05:16 PM (IST)Updated: Fri, 03 Jul 2026 05:16 PM (IST)
junagadh-rain-maliya-hatina-floods-rivers-swell-in-gujarat

Junagadh Rain: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું મોડું પણ ધમાકેદાર આવ્યું હોય તેમ ખાસ કરીને છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હોય તેમ સાર્વત્રિક સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.

માળિયા હાટીનામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે આખા દિવસ દરમિયાન 12 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે પણ વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત રહી છે. આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં માળીયા હાટીનામાં 211 મિ.મી (8.3 ઈંચ) વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 2 કલાકમાં જ ગાજવીજ સાથે 97 મિ.મી. વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે માળીયા હાટીનાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અહીંની મેઘલ, લઠોદરિયા અને વ્રજમી નદીઓમાં ઘોડાપૂર આવતા નદી પરના મુખ્ય કોઝવે ધોવાઈ ગયા છે. જેના પરિણામે અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. માળીયા હાટીના શહેરમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પટેલ સમાજ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દૂકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

ડાંગના વઘઈમાં સૌથી વધુ 13 ઈંચ ધોધમાર ખાબક્યો

આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી ડાંગ જિલ્લાના વઘઈમાં સૌથી વધુ 330 મિ.મી (12.9 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય સુરતના અંબિકામાં 283 મિ.મી. (11.14 ઈંચ), તાપીના ડોલવણમાં 253 મિ.મી. (9.9 ઈંચ), નવસારીના વાંસદામાં 233 મિ.મી (9.1 ઈંચ), ડાંગના સુબિરમાં 232 મિ.મી (9.1 ઈંચ), ચિખલીમાં 225 મિ.મી (8.8 ઈંચ), તાપીના વાલોદમાં 215 મિ.મી (8.4 ઈંચ) વરસાદ નોંધાયો છે.

 

સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર

સવારે 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળાની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો વરસાદની દ્રષ્ટિએ મોખરે રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં માળિયા હાટીના તાલુકામાં સૌથી વધુ 8.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જે બાદ માંગરોળમાં 7.6 ઇંચ, કેશોદમાં 5.5 ઇંચ, મેંદરડામાં 5.16 ઇંચ અને વંથલીમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં પાટણ-વેરાવળમાં 7.2 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે સુત્રાપાડામાં 3.4 ઇંચ, તાલાલામાં 2.01 ઇંચ અને કોડીનારમાં 1.69 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના રાજકોટના ધોરાજીમાં 3.27 ઇંચ, જેતપુરમાં 2.56 ઇંચ અને ઉપલેટામાં 2.09 ઇંચ વરસાદ નોંધાયો છે.


રાજકોટ જિલ્લામાં બપોર પછી ધબધબાટી

રાજકોટમાં પણ બપોરના સમયે ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. બપોરે 2 થી 4 વચ્ચે ધોરાજીમાં 2.68 ઇંચ અને જેતપુરમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ઉપલેટામાં 0.98 ઇંચ અને જામકંડોરણામાં 0.87 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં પાટણ-વેરાવળમાં બપોરના સમયે 1.18 ઇંચ અને સુત્રાપાડામાં 0.59 ઇંચ પાણી પડ્યું હતું. પોરબંદરના કુતિયાણામાં પણ આ બે કલાકમાં 0.59 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.