VIDEO: જયેશ રાદડિયાના એક ફોનથી કેદારનાથમાં બીમાર પડેલી જામકંડોરણાની મહિલા 'એરલિફ્ટ', સમયસર સારવાર મળતા બચી

રેખાબેનને નીચે ઉતારવા માટે હેલિકૉપ્ટરમાં બે દિવસનું વેઈટિંગ હોવાથી હતાશ પરિવારજનોએ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાને ફોન કરીને સ્થિતિથી અવગત કર્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 05:35 PM (IST)Updated: Sat, 06 Jun 2026 05:46 PM (IST)
rajkot-news-successful-rescue-of-a-sick-woman-from-jamkandorana-in-kedarnath-yatra
HIGHLIGHTS
  • જયેશ રાદડિયા અને સાંસદ મનસુખ માંડવિયાની મહેનત આખરે રંગ લાવી, પરિવારજનોએ બન્નેનો આભાર માન્યો
  • કેદારનાથમાં પ્રાથમિક સારવાર બાદ રેખાબેનને હેલિકૉપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને નીચે લવાયા

નરેન્દ્ર આહીર, Rajkot News: જગવિખ્યાત કેદારનાથ ધામની યાત્રાને દેશની સૌથી કપરી તીર્થ યાત્રાઓ પૈકી એક માનવામાં આવે છે. વધુ પડતી ઊંચાઈ, વિકટ ભૌગોલિક પરિસ્થિતિ, ઑક્સિજનની ઉણપ અને કડકડતી ઠંડીના કારણે અનેક શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

એવામાં રાજકોટ જિલ્લાના જામકંડોરણાની મહિલા શ્રદ્ધાળુની તબિયત અચાનક લથડતા તેને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. આવા સમયે સાંસદ મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયા પરિવારની વ્હારે આવ્યા છે. જેમની મદદથી મહિલાને હેલિકૉપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડીને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.

નીચે ઉતરવા માટે હેલિકૉપ્ટરનું બે દિવસનું વેઈટિંગ

જામકંડોરણા તાલુકાના વતની રેખાબેન મુકેશભાઈ મુળિયા કેદારનાથની યાત્રાએ ગયા છે, જ્યાં અચાનક તેઓ અસ્વસ્થ થતાં તાત્કાલિક સારવારની જરૂર ઉભી થઈ હતી.એક તો આટલી ઊંચાઈ પર સારવાર સહિત અન્ય જરૂરી સુવિધા મેળવવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. રેખાબેનને હેલિકોપ્ટરની મદદથી નીચે લઈ જવાનું નક્કી કર્યું, તો હેલિકોપ્ટરમાં 2 દિવસનું વેઈટિંગ હોવાનું જાણવા મળતા પરિવારજનો નિરાશ થયા હતા.

આખરે પરિવારજનોએ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમને સમગ્ર હકીકતથી અવગત કરાયા હતા. જેથી જયેશ રાદડિયા અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ તાત્કાલિક જરૂરી સંકલન કરીને રેખાબેનને કેદારનાથ ખાતે સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી આપી હતી.

પરિવારજનોએ ધારાસભ્ય અને સાંસદનો હ્રદયથી આભાર માન્યો

પ્રાથમિક સારવાર બાદ રેખાબેનની તબિયતમાં સુધારો થતાં તેમને સુરક્ષિત નીચે લાવવા માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ બન્ને લોકપ્રતિનિધિઓના ઝડપી અને સંવેદનશીલ પ્રયાસોના કારણે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમગ્ર સહયોગ બદલ રેખાબેન મૂળિયાના પરિવારજનો દ્વારા પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા તથા જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, માત્ર એક ટેલિફોનિક રજૂઆતના આધારે બંને આગેવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી જરૂરી સારવાર અને હેલિકોપ્ટર સુવિધા ઉપલબ્ધ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.