Rajkot Suicide: ખેરડીમાં પતિના અનૈતિક સબંધોનો ભાંડો ફૂટતાં પરિણીતાએ ફાંસો ખાધો, માવતર પક્ષનો જમાઈ પર હત્યાનો આક્ષેપ

'પહેલા પત્નીએ બાળકોને પાણીના ટાંકામાં ફેંક્યા બાદ ગળેફાંસો ખાધો'- પતિની ગોળગોળ વાતો અને મૃતકના શરીર પર ઈજાના નિશાનથી હત્યાની આશંકા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 04:45 PM (IST)Updated: Sat, 06 Jun 2026 04:45 PM (IST)
rajkot-suicide-wife-hanged-after-husbands-immoral-relationship-exposed-at-kherdi
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પોલીસની રાહ જોવાનું કહેવા છતાં પતિએ છરી વડે સાડી કાપીને પત્નીની લાશ નીચે ઉતારી દીધી

નરેન્દ્ર આહીર, Rajkot News: રાજકોટ નજીક આવેલા ખેરડી ગામમાં 35 વર્ષીય પરણિતા કંચનબેન સવજીભાઈ જમોડનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ ઘટનાને પગલે મૃતકના માવતર પક્ષે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, આ આત્મહત્યા નથી પરંતુ પૂર્વયોજિત હત્યા છે. આ ઘટનાની જાણ થતા જ 108ની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

શરૂઆતમાં મૃતદેહને કુવાડવા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ માવતર પક્ષના ભારે વિરોધ અને શંકાઓને પગલે સત્ય સામે લાવવા માટે મૃતદેહને પેનલ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ અંગે મૃતકના મોટાભાઈ હિંમતભાઈ મૂળજીભાઈ સરવૈયા (રહે. ફુલઝર, તા. ગોંડલ)ના જણાવ્યા અનુસાર, કંચનબેનના લગ્ન 12 વર્ષ પહેલાં ખેરડીના સવજી જમોડ સાથે થયા હતા અને તેમને ત્રણ સંતાનો છે. છેલ્લા આઠેક મહિનાથી સવજીના અન્ય કોઈ મહિલા સાથેના અનૈતિક સંબંધોને કારણે ઘરમાં ભારે કંકાસ ચાલતો હતો.

સવજી અવારનવાર કંચનબેન સાથે મારકૂટ કરતો હતો અને ક્યારેક પંદર-પંદર દિવસ સુધી ઘરે પણ આવતો નહોતો. આ અગાઉ કંચનબેન રિસામણે પણ આવ્યા હતા, પરંતુ સામાજિક રીતે સમાધાન કરીને તેમને પરત મોકલાયા હતા. માવતર પક્ષનો આરોપ છે કે, આ ઘર કંકાસ અને અનૈતિક સંબંધોની જાણ થઈ જવી એ જ કંચનબેનની હત્યાનું મુખ્ય કારણ બન્યું છે.

ઘટનાની રાત્રે આશરે દોઢ વાગ્યે સવજીએ ફોન કરીને હિંમતભાઈને જણાવ્યું હતું કે, તે રિક્ષા લઈને ફેરો કરવા ગયો હતો અને ઘરે આવીને જોયું તો કંચને ગળાફાંસો ખાઈ લીધો હતો. એટલું જ નહીં, સવજીએ એવો પણ દાવો કર્યો કે કંચને ફાંસો ખાતા પહેલા ત્રણેય સંતાનોને પાણીના ટાંકામાં નાખી દીધા હતા, જેમને તેણે સમયસર બહાર કાઢી લીધા છે.

હિંમતભાઈએ ફોન પર લાશ નીચે ન ઉતારવા અને પોલીસને રાહ જોવા કહ્યું હોવા છતાં સવજીએ ઉતાવળ કરીને સાડી છરીથી કાપી લાશ પહેલેથી જ નીચે ઉતારી લીધી હતી. માવતર પક્ષે બાળકોને ટાંકામાં નાખવાની વાર્તાને સદંતર ખોટી અને શંકાસ્પદ ગણાવી છે તેમજ મૃતકના શરીર પર જોવા મળેલા ઇજા અને ચાંભાના નિશાનના આધારે વિરોધ કરવા બદલ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ ઘટનામાં ત્રણ માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ ગયો છે અને કુવાડવા રોડ પોલીસે આ મામલે આગળની સઘન તપાસ હાથ ધરી છે.