Rajkot: રસ્તામાં ખાડો આવતા બાઈક પરથી ઉછળીને નીચે પટકાયેલા ધો.9ના વિદ્યાર્થીનું મોત, ભરવાડ પરિવારમાં કલ્પાંત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Sep 2024 05:41 PM (IST)Updated: Tue, 17 Sep 2024 05:41 PM (IST)
rajkot-news-student-fall-from-bike-died-at-kalawad-road

Rajkot: રાજકોટમાં રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે જીવલેણ અકસ્માત સર્જવાની ઘટના અવાર-નવાર સામે આવતી રહે છે. તાજેતરમાં જ સામાકાંઠે પેડક રોડ પર ખાડાના કારણે અકસ્માત સર્જાતા સાઇકલ સવાર ટ્રકની ઠોકરે ચડી જતા મોત નીપજ્યું હતું. એવામાં વધુ એક બનાવમાં કાલાવડ રોડ પર મેટોડા નજીક સામે આવ્યો છે. જેમાં ખાડાના કારણે બાઇક પરથી પડી જતા ધો.9ના છાત્રનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાંવટી ચોક નજીક આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો અજય ઝાપડા (16) ગત 14 સપ્ટેમ્બરના રોજ તેના મામા વિરમ મુધવા સાથે બાઈક પર રણુંજાના પ્રસિદ્ધ મેળામાં ગયો હતો. જ્યાંથી મોડી રાતે 2 વાગ્યાની આસપાસ મામા-ભાણેજ બાઈક લઈ રાજકોટ પરત ફરી રહ્યા હતા.

તેઓ કાલાવડ રોડ પર મેટોડા નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં ખાડો આવતા બાઈકની પાછળ બેઠેલો અજય ઉછળીને નીચે પટકાયો હતો. જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે અજયનું મોત નીપજ્યું હતુ. આ મામલે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અજય બે ભાઇમાં મોટો અને ધો.9માં અભ્યાસ કરતો હતો. તેના પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી ભરવાડ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.