Rajkot: શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર બેટી રામપરા ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં બેટી ગામમાં રહેતા વિદ્યાર્થીની સાયકલને અજાણ્યા વાહનના ચાલકે ઠોકરે ચડાવીને નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ તાલુકાના બેટી રામપરા ગામે રહેતો ઉદય મકવાણા (14) નામનો સગીર ગત 14 સપ્ટેમ્બરની સવારે 11 અરસામાં હાઇવે પર સાયકલ લઇ ઘર નજીક આવેલી દુકાને ભાગ લેવા માટે જતો હતો. આ સમયે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારી ઉદયની સાયકલને ઠોકરે ચડાવી નાસી છૂટ્યો હતો.
આ બનાવને પગલે સગીરના પરિવારજનો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં, મૃતક ઉદય આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે તેના પિતા રિક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચાલવતા હોવાનું જણાવા મળ્યું છે. પુત્રના મોતથી પરિવારજનોમાં કરૂણ કલ્પાંત છવાઇ જવા પામ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
