Rajkot: રાજકોટમાં ડેન્ગ્યુનો આતંક: એકસાથે 29 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Sep 2024 04:16 PM (IST)Updated: Tue, 17 Sep 2024 04:16 PM (IST)
rajkot-news-29-cases-of-mosquito-borne-disease-dengue-in-a-day

Rajkot: ચોમાસુ પૂર્ણ થવામાં છે, ત્યારે મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી હોય તેમ આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ રોગચાળાના આકડામાં મોટો ઉછાળો આવ્યો છે. એકસાથે ડેન્ગ્યુના 29 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા ફોગીંગ અને પોરા નાશક સહિતની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.

આ સાથે જ મચ્છર ઉત્પતિ સબબ 449 આસામીઓને નોટિસ ફટકારી રૂપિયા 36,700નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. ડેન્ગ્યુની સાથે જ શહેરમાં શરદી-ઉધરસના 1239 તથા સામાન્ય તાવના 739 અને ઝાડા-ઉલ્ટીના 359 નવા કેસ નોંધાયા છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે, તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 439 પ્રીમાઇસિસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 345 અને કોમર્શિયલના 104 આસામીને નોટિસ આપવામાં આવી છે. તેમજ રૂ. 36,700/ નો વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.