Rajkot: શહેરના રેલનગરની એક શાળામાં ધોરણ 10માં ભણતો એક વિદ્યાર્થી છરી લઈને શાળામાં પહોંચ્યો હતો અને તેના સહાધ્યાયીના હાથમાં છરી મારી હતી. આ હુમલામાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ સમગ્ર બનાવ વર્ગખંડના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
હકીકતમાં રેલનગર વિસ્તારમાં આવેલી આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં 15 વર્ષીય એક વિદ્યાર્થીને તેના જ સહાધ્યાયીએ છરી મારી દીધી હતી.
આ અંગે ઘાયલ વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, મારા દીકરાની સાથે ભણતો વિદ્યાર્થી તેને સતત હેરાન કરતો હતો. આ મામલે મેં અગાઉ બે વખત સ્કૂલના શિક્ષક અને પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી હતી. આમ છતાં તે વિદ્યાર્થી મારા દીકરાને પરેશાન કરતો હતો.
આજે પણ જ્યારે મારો દીકરો સ્કૂલે ગયો, ત્યારે વર્ગખંડમાં પહોંચતા પેલા વિદ્યાર્થીએ પોતાની બેગમાંથી મોટો છરો કાઢ્યો અને મારા દીકરાના હાથમાં મારી દીધો હતો. આથી મારો પુત્ર સીધો શિક્ષક પાસે દોડીને ગયો હતો. જે બાદ શિક્ષક અને શાળા સંચાલકે આરોપી વિદ્યાર્થીની બેગ તપાસતા તેમાંથી મોટો છરો મળી આવ્યો હતો.
