Rajkot: રાજકોટ-ભાવનગર નેશનલ હાઇવે પરના બિસ્માર રસ્તાને કારણે આજે સરધાર ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં 'રસ્તા રોકો' આંદોલન કરવામાં આવ્યું હતું. રૂપિયા 27 કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ચાર મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવા છતાં કામ શરૂ ન થતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાજકોટથી ભાવનગર જવાનો રસ્તો ખાડાઓને કારણે ખૂબ જ બિસ્માર બની ગયો છે. ચાર મહિના પહેલાં એટલે કે 6 એપ્રિલ, 2025ના રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી.
આ મામલે રાજકોટ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા નિશીથ ખૂંટે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, અમદાવાદના નિકોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હોય તો માત્ર 48 કલાકમાં જ નવા રસ્તા બની જાય છે, તો અહીં રસ્તા કેમ બનતા નથી? વરસાદનું ખોટું બહાનું કાઢીને કામ શરૂ કરવામાં આવ્યું નથી.
આંદોલન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા. 'ભાજપ હાય હાય', 'ભાનુબેન હાય હાય' અને 'પરસોત્તમ રૂપાલા હાય હાય' જેવા નારા લગાવીને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી સ્પષ્ટ છે કે, રસ્તાના પ્રશ્ને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.