Rajkot: શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા ચોકીદાર વૃદ્ધનું ખાડામાં પડી જતા મોત નીપજ્યુ હતું આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
150 ફૂટ રીંગ રોડ પર આસ્થા રેસીન્ડસી પાછળ સ્થાપત્ય એપાર્ટમેન્ટમાં રહેતા અને અવધના ઢાળ પાસે નવી બનતી ડેકોરરા મોન્ટે કાર્લો નામની બિલ્ડિંગ સાઇટ પર ચોકીદાર તરીકે કામ કરતા લાલજીભાઇ મહીદાસ લાડાણી (ઉ.વ.70)નામના વૃદ્ધ ગઇકાલે રાત્રે નાઇટ ડ્યુટીમાં હતા.
આ દરમિયાન આજે સવારે 8 વાગ્યે સિફટ ફરતા અન્ય ચોકીદાર નોકરી પર આવ્યા, ત્યારે લાલજીભાઇ સાઇટ પર આવેલા ખાડામાં પડેલા હોય જેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ પાંચ બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવાર જનોમાં શોકની લાગણી પ્રસરી છે.