Rajkot: 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ની રચના પર સંકલન સમિતિના પી.ટી. જાડેજાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'સમાજના બે ઊભા ફાડિયા ના કરો'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Sep 2024 06:34 PM (IST)Updated: Sun, 22 Sep 2024 06:36 PM (IST)
rajkot-news-sankalan-samiti-member-pt-jadeja-raise-question-on-samast-kshatriya-shakti-asmita-manch

Rajkot: ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજને એકજૂટ કરવાના ઉદ્દેશ્ય સાથે ગત 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ભવ્ય સંમેલન યોજાયું હતુ. જેમાં 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ની રચના કરવામાં આવી હતી, જેના પ્રમુખ પદે ભાવનગરના મહારાજા વિજયરાજ ગોહિલની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પદ્મિની બા વાળાએ પોતાનું અપમાન થતું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. હવે સંકલન સમિતિના પી.ટી. જાડેજા મેદાનમાં આવ્યા છે. જેમણે અસ્મિતા મંચની રચના પર સવાલ ઉઠાવતા આકરા પ્રહાર કર્યા છે.

પી.ટી. જાડેજાએ જણાવ્યું કે, 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ની રચના સાથે હું કે ક્ષત્રિય સમાજ સહમત નથી. જો અસ્મિતા મંચના નામે રાજકીય પાર્ટી બનાવવી હતી, તો જાહેરાત કરવી જોઈતી હતી. જો તેમણે સંગઠન જ બનાવવું હોત, તો સંકલન સમિતિને સાથે રાખી હોત તો તેમાં 3 સાડા 3 લાખ ક્ષત્રિયો સામેલ થયા હોત.

જો રાજકીય પાર્ટી બનાવવી હોય, તો તે પણ શક્ય છે અને 18 વર્ષના લોકોને તમે સાથે રાખો, જેમાં સાડા 6 કરોડ છે. જે પૈકી ક્ષત્રિયોની સંખ્યા અત્યારે 3 કરોડ જેટલી જ છે. જેનાથી 100 ટકા નવી પાર્ટી બને અને સફળતા પણ મળે.

તમારે સમાજને વિશ્વાસમાં લઈને કાર્યક્રમ કરવો જોઈતો હતો. જેના બદલે માત્ર 500-1000 લોકોને બોલાવી કાર્યક્રમ પતાવી દીધો. જેથી આમા રાજનીતિ હોય તેવું લાગી રહ્યું છે. જો રાજનીતિ હોય તો જાહેર કરો, પરંતુ સમાજના બે ઉભા ફાડિયા ના કરશો. ક્ષત્રિય અસ્મિતા મંચનું વિલિનીકરણ કરીને સંકલન સમિતિને મોટી બનાવવા માટે આગળ આવો.

વધુમાં પી.ટી. જાડેજાએ જણાવ્યું કે, કરણી સેનાના પ્રમુખ અસ્મિતા મંચમાં કેમ ગયા? મને સમજાતું નથી. સંકલન સમિતિમાં જે માથાકૂટ થઈ છે, તેના તેઓ સાક્ષી છે. તેમને અન્યાય થયો છે અને મને પણ સાઈડલાઈન કરવામાં આવી રહ્યો છે. સંકલન સમિતિમાં એક-બે સભ્યો એવા છે, જે અમને બોલવા દેતા નથી. હું સંકલન સમિતિમાં રૂપાલા ઑપરેશન પુરતો જ હતો, પરંતુ અંદર જે રંધાઈ રહ્યું છે, તેનાથી સમાજને જ નુક્સાન થઈ રહ્યું છે. આજ કારણોસર હું સંકલન સમિતિમાંથી રાજીનામું નથી આપી રહ્યો.