રાજકોટ: નજીવી બાબતે બોલાચાલી બાદ સગા ભાઈઓનો પિતા-પુત્ર પર હુમલો, સારવાર દરમિયાન પિતાનું મોત

મૃતક અજીતભાઈ અને તેમના પુત્ર કૃણાલ સ્કૂલ વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Nov 2026 04:57 PM (IST)Updated: Mon, 09 Nov 2026 04:57 PM (IST)
rajkot-father-son-attacked-over-trivial-matter-father-dies-police-investigate

Rajkot Crime News: રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે એક લોહિયાળ ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર ફેંકીને ફટાકડા ફોડવા બાબતે બે ભાઈઓ અને વાહન પર પસાર થઈ રહેલા પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં આરોપી ભાઈઓ પિતા-પુત્રના ઘરે પહોંચ્યા અને પથ્થરમારો કરીને હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં પિતાનું મોત થયું હતું.

ફટાકડા ફોડવા બાબતે થઈ બબાલ

મૃતકના ભાઈએ બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, ગઈકાલે રાત્રિના સમયે તેમના ભાઈ અજીતભાઈ અને ભત્રીજો કૃણાલ હુડકો વિસ્તારથી પરત મવડી વિસ્તારમાં આવેલા તેમના ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન યશરાજ જાડેજા અને ઈન્દ્રજીત જાડેજા નામના બે ભાઈઓ ત્યાં જાહેર રસ્તા પર ફેંકીને ફટાકડા ફોડી રહ્યા હોવાથી તેમની સાથે બોલાચાલી થઈ હતી.

અગાઉ રાત્રે કર્યો ઘર પર પથ્થરમારો

શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ સમાધાન થઈ ગયું હતું. પરંતુ રાત્રે આશરે 2:30 વાગ્યે બંને આરોપી ભાઈઓ વિશ્વેશ્વર મંદિર પાછળ આવેલી મારુતિ સોસાયટી ખાતે પહોંચ્યા અને ઘર પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં જ અજીતભાઈ અને કૃણાલ ઘરની બહાર નીકળ્યા ત્યારે યશરાજ અને ઈન્દ્રજીત જાડેજાએ તેમના પર હુમલો કરી દીધો હતો.

પિતા-પુત્રને છરીના ગંભીર ઘા ઝીંક્યા

ધોકા-પાઈપ વડે માર માર્યા બાદ બંને આરોપી ભાઈઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા ભત્રીજા કૃણાલ પર આરોપીએ છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. બંનેને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન 43 વર્ષીય અજીતભાઈ સિંધવનું મોત નીપજ્યું હતું. જ્યારે 21 વર્ષીય પુત્ર કૃણાલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી

મૃતક અજીતભાઈ અને પુત્ર કૃણાલ બંને સ્કૂલ વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આરોપીઓ પણ નજીકમાં જ રહેતા હોવાથી એકબીજાથી પરિચિત હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજીત સિંધવનું મોત થતાં માલવિયાનગર પોલીસે બનાવ અંગે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સઘન ચક્રો ગતિમાન કર્યા છે.