નરેન્દ્ર આહીર, Rajkot News: રાજકોટ ગ્રામ્યમાં કહેવાતા પત્રકારોના નામે ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. GPCBના અધિકારી અને પત્રકાર બનીને ઉદ્યોગકારોને ધમકી આપી લાખોની માંગણી કરનારા 2 અલગ-અલગ કેસમાં 5 લોકો વિરુદ્ધ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. રાજકોટ રેન્જ DIGની સ્પષ્ટ સૂચના બાદ આ કાર્યવાહી થઈ છે.
પ્રથમ કેસ જેતપુરનો છે. જેમાં ફરિયાદી નવીનચંદ્ર નારણભાઈ ડોબરીયા ખોડીયાર પ્રોસેસ નામનું સાડી પ્રોસેસિંગ હાઉસ ચલાવે છે. થોડા દિવસ પહેલા તેમની ફેક્ટરી પાસે બે શખ્સો આવ્યા. એકનું નામ અજયભાઈ જાદવ અને બીજાનું વિજય વર્મા.
અજય જાદવ પોતાને લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલનો પત્રકાર ગણાવ્યો અને વિજય વર્માએ GPCBના અધિકારી તરીકે ઓળખ આપી. જે બાદ બંનેએ મળીને ડોબરીયાને ધમકી આપી કે, 'તમારા કારખાના પર લાખોનો દંડ કરીશું, ગુનો દાખલ કરી દઈશું, ફેક્ટરી બંધ કરાવી દઈશું.' ડરના માર્યા ફરિયાદીએ શરૂઆતમાં 30 હજાર રૂપિયા પણ આપી દીધા. જે બાદમાં છેતરપિંડી થઈ હોવાનું સમજાતા પોલીસ ફરિયાદ કરી.
આ જ ગેંગનો બીજો કેસ જૂનાગઢમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગ કારખાના ચલાવતા મહેશભાઈ ગજેરાને પણ આ જ લોકોએ ટાર્ગેટ બનાવ્યા. આ કેસમાં હેમંત શેકવા, રાકેશ પીઠડીયા અને વિજય વર્મા નામના 3 કહેવાતા પત્રકારો સામેલ હતા. તેમણે સરકારી વિભાગોમાં કમ્પ્લેન કરવાની ધમકી આપી, ખોટા કેસમાં ફસાવવાની વાત કરી અને 50 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી.
રાજકોટ રેન્જ DIG સાહેબની સ્પષ્ટ સૂચના બાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસે બંને કેસમાં ગુના દાખલ કર્યા છે. પહેલા કેસમાં અજય જાદવ અને વિજય વર્મા આરોપી છે. જ્યારે બીજા કેસમાં હેમંત શેકવા, રાકેશ પીઠડીયા અને વિજય વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આવા લોકો પત્રકારિતાના નામે કલંક સમાનઃ DIG
રાજકોટ રેન્જના DIG સાહેબની સ્પષ્ટ સૂચના છે કે, આવા ખંડની કરતા ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી. હું આપના માધ્યમથી તમામ ઉદ્યોગકારો અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને અપીલ કરું છું કે જો કોઈ તમને આ રીતે ધમકી આપે, તોડબાજી કરે કે ખંડણી માંગે તો સંકોચ વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, HDનો સંપર્ક કરો અથવા અમારી ઓફિસનો સંપર્ક કરો. અમે તાત્કાલિક કાર્યવાહી કરીશું.
પોલીસનું કહેવું છે કે, આવા લોકો પત્રકારિતાના નામે કલંક છે. તેઓ GPCB, પ્રદૂષણ બોર્ડ અને અન્ય સરકારી વિભાગોના નામે લોકોમાં ડર ફેલાવી પૈસા પડાવે છે. પોલીસે તમામ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ તમારી પાસે સરકારી તપાસ કે ન્યૂઝના નામે આવે તો પહેલા તેનું ID ચેક કરો.
કોઈને રોકડા પૈસા ન આપો. તરત જ 100 નંબર પર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.આવા તત્વો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની પણ શક્યતા છે.
