Gujarat LRD Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી (LRD)ને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત લેખિત પરીક્ષામાં સફળ થયેલા અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઠરેલા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે.
12,733 જગ્યાઓ સામે 18,322 ઉમેદવારો ક્વોલિફાય
લોકરક્ષક કેડરની કુલ 12,733 ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પસંદ કરવામાં આવ્યા છે. આ માટે 39,225 ઉમેદવારોએ પરીક્ષાના પાર્ટ-એ અને પાર્ટ-બીમાં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવીને લાયકાત હાંસલ કરી હતી, જેમાંથી મેરિટના આધારે આ પસંદગી કરવામાં આવી છે.
કેટેગરી વાઈઝ કટ ઑફ પર એકનજર
કટ-ઓફ ગુણ (Cut-off Marks)
| કેટેગરી (Category) | પુરુષ (Male) | મહિલા (Female) |
| જનરલ (General) | 125.00 | 104.75 |
| EWS | 114.50 | 80.50 |
| SEBC | 119.25 | 98.50 |
| SC | 113.75 | 94.50 |
| ST | 95.75 | 84.50 |
આ ઉપરાંત 41 માજી સૈનિકો પણ નિયમોનુસાર લાયક ઠર્યા છે. જેમને આ યાદીમાં સમાવવામાં આવ્યા છે.
ઉમેદવાર પાસે માન્ય પ્રમાણપત્ર નહીં હોય તો વધારાના ગુણ રદ્દ થશે
આ યાદી તૈયાર કરવામાં લેખિત પરીક્ષાના ગુણ ઉપરાંત રમતગમત, વિધવા, NCC સર્ટિફિકેટ તેમજ રક્ષાશક્તિ કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડિગ્રી/ડિપ્લોમાના વધારાના ગુણ પણ ધ્યાને લેવામાં આવ્યા છે. જો દસ્તાવેજ ચકાસણી સમયે કોઈ ઉમેદવાર પાસે માન્ય પ્રમાણપત્ર નહીં હોય, તો તેમના વધારાના ગુણ રદ કરવામાં આવશે.
આટલું જ નહીં, જો કોઈ ઉમેદવાર ગેરરીતિમાં સંડોવાયેલ જણાશે અથવા CCTV ફૂટેજમાં શંકાસ્પદ જણાશે, તો તેમની ઉમેદવારી ગમે તે તબક્કે રદ થઈ શકે છે.
વધુમાં બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલ સામાન્ય કેટેગરીમાં ખાલી જગ્યાના બે ગણા અને અનામત કેટેગરીમાં એક ગણા ઉમેદવારોને બોલાવાયા છે, પરંતુ જરૂર પડશે તો વધુ ઉમેદવારોને પછીથી બોલાવવામાં આવી શકે છે. દસ્તાવેજ ચકાસણીનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું નામ ચેક કરી શકે છે.
12,733 જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી બિનહથિયારધારી કોન્સ્ટેબલ 6942, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 2458, જેલ સિપાહી પુરુષની 300 અને મહિલા મેટ્રનની 31 જગ્યા મળીને કુલ 12,733 જગ્યાઓ માટે ગત જૂન મહિનામાં રાજ્યના 879 કેન્દ્રો પર લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં 2.63 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
